મુંબઈ, તા.૧૧ : આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીનો ઓવરઓલ દેખાવ કંગાળ રહ્યો છે.શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમે તેની છેલ્લી મેચમાં મુંબઈને હરાવ્યું હતુ, પણ તેઓ પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર જ મનાય છે.
કોલકાતાની ટીમમાં વારંવાર પરિવર્તન જોવા મળ્યા છે. જે અંગે કેપ્ટન શ્રેયસ ઐયરે બળાપો ઠાલવતા કહ્યું હતુકે, ઘણી વખત કોચ અને સીઈઓ પણ ટીમ સિલેક્શનમાં સામેલ થઈ જતા હોય છે.શ્રેયસે આ સાથે એવો ઈશારો કર્યો કે, ઘણી વખત તેને ટીમ મેનેજમેન્ટની જીદ સામે પોતાનો મત જતો કરવો પડે છે અને તેમની સલાહ અનુસારની ટીમ પસંદ કરવી પડે છે. શ્રેયસે આ સાથે આડકતરો ઈશારો કરતાં કહ્યું હતુ કે, કોલકાતાની ટીમના કંગાળ દેખાવ માટે કેપ્ટન તરીકેની તેની પસંદગી જવાબદાર નથી, પણ ટીમના કોચ અને સીઈઓની વધુ પડતી દખલગીરી કારણભૂત છે.કોલકાતા અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂક્યું છે.ત્યારે ઐયરના નિવેદનથી વધુ નવો વિવાદ છેડાયો છે.