વલસાડ, 19 મે : કેન્દ્ર સરકારે બે દિવસ અગાઉ જ સંઘશાસિત રાજ્ય અને પ્રદેશમાં વિદ્યુત વિભાગની વિતરણ વ્યવસ્થાને ખાનગીકરણ કરવાના આદેશ કર્યા હતા.આ આદેશની અસર તુરંત જ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં જોવા મળી રહી છે.બે વર્ષ અગાઉ જ દાનહના વિદ્યુત વિભાગને કોર્પોરેશનમાં તબદીલ કરીને પીડીસીએલ બનાવવામાં આવ્યું હતું.જોકે,એક તરફ સરકાર દ્વારા વિદ્યુત વિભાગનું ખાનગીકરણ અને સંઘપ્રદેશ દાનહમાં પીડીસીએલ દ્વારા વિદ્યુત દરોના ચાર્જમાં વધારો કરતો આદેશ કરતા પ્રદેશની જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.દાદરા નાગર હવેલી વિદ્યુત વિભાગને કોર્પોરેશનમાં તબદીલ કર્યા બાદ તેનો હવાલો પીડીસીએલ દ્વારા સંભાળી રહ્યું હતું.કેન્દ્રના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે દેશના તમામ સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના વિતરણની વ્યવસ્થા ખાનગી કંપનીને સોંપવાનો આદેશ કર્યા બાદ બંને પ્રદેશમાં રાજકારણ ગરમાયું હતું.આ સાથે જ પ્રદેશવાસીઓમાં નારાજગી અને આક્રોશ પણ જોવા મળ્યો હતો.એવા સંજોગમાં દાનહની વિદ્યુત વ્યવસ્થાનું સંચાલન કરતી પીડીસીએલ દ્વારા સોમવારે ડોમેસ્ટિક,કોર્મશિયલ અને ઇન્ડસ્ટ્રીઝના વિદ્યુત દરોમાં વધારો કરતા પ્રદેશના લોકોની સ્થિતિ હાલમાં કોરોના વાયરસની મહામારીમાં પડતાં ઉપર પાટું જેવી થઇ છે.50થી 200 યુનિટ સુધી વીજળી વાપરનારા સામાન્ય ગરીબ પરિવારે પણ હવે પ્રતિ યુનિટ 20 પૈસા વધારાના ચુકવવાના રહેશે.