વલસાડ, 19 જૂન : કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન લોકોના ધંધા-રોજગાર ઠપ થઇ ગયા હતાં. જેના કારણે મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે ઉમરગામના સંજાણ કેળવણી મંડળ સંચાલિત એક સ્કુલ દ્વારા 5 માસની ફી વિદ્યાર્થીઓ પાસેથી ન લેવાની જાહેરાત કરી છે.ઉમરગામના સંજાણ કેળવણી મંડળ સંચાલિત લીટલ એન્જલ પ્રિ. સ્કુલ તથા માડીબાઇ સરદારમલ ડાકલે સ્કુલ(અંગ્રેજી માધ્યમ ધો.1થી 5)શાળાના પ્રમુખ મગનલાલ સરદારમલ શાહ તથા શાળા સંચાલક પ્રિયા આનંદ શાહે કુલ 135 વિદ્યાર્થીની માર્ચથી જુલાઇ સુધી (પાંચ મહિના)ની ફી માફી કરવાનો નિર્ણય કર્યો છે.જેને લઇ વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.હાલ જિલ્લામાં શાળા-કોલેજો બંધ છે,પરંતુ લોકડાઉન હટયા બાદ શાળાઓની ફી મામલે મધ્યમ વર્ગના લોકોમાં ફીની ચિંતા વધી રહી છે.સરકારના લાખ દાવાઓ વચ્ચે ખાનગી સ્કુલના સંચાલકો ફી ભરવા વાલીઓને દબાણ કરી રહ્યાં છે.ત્યારે સંજાણની આ સ્કુલે 2.70 લાખ ફી માફીની જાહેરાત કરી વાલીઓને મૂંઝવણ હળવી કરી છે. આજ પ્રકારનો નિર્ણય અન્ય ખાનગી શાળાઓ કરે તે જરૂરી છે.કારણ કે વર્ષોથી વાલીઓ ફી રેગ્યુલર આપે છે,પરંતુ આ વર્ષે કોરોના કારણે આર્થિક સ્થિતિ વાલીઓની અતિશય ખરાબ છે.આવા કપરા સમયમાં ખાનગી શાળાઓ વેપારની જગ્યાએ વાલીઓની પડખે આવે તે સમયની માગ છે.વાલીઓમાં પણ આ માગ ઉઠી રહી છે.
ઓનલાઇન શિક્ષણના નામે ફી વસુલાશે. કોરોનાના કારણે હાલ વાલીઓ પર દબાણ ન કરવા શિક્ષણ વિભાગે શાળાઓને સૂચના આપી છે,પરંતુ શાળાઓ દ્વારા હાલ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.ઓનલાઇન શિક્ષણ સાથે ફી માટે વાલીઓને જાણ કરાઇ રહી હોવાનું વાલીઓ જણાવી રહ્યાં છે.જાગૃત વાલીઓ આ માટે શિક્ષણ વિભાગને જાણ કરી શકે છે.હાલ મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી છે.ત્યારે ફી માટે દબાણ કરાતાં વાલીઓમાં પણ રોષ વધી રહ્યો છે.