અમદાવાદ : તા.9 જુલાઈ 2022,શનિવાર : કસ્ટોડિયલ ડેથના કેસમાં જન્મટીપની સજા કાપી રહેલા પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટે તેના અને તેના પરિવાર માટે પોલીસ રક્ષણની માંગણી કરતી ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે,જેની સુનાવણીમાં હાઇકોર્ટે અરજદારને આ મુદ્દે પહેલાં રાજય સરકારમાં અરજી કરવા સૂચન કર્યું હતું.જો કે,આ કેસમાં આજે પબ્લીક પ્રોસીકયુટર દલીલ કરવા માટે ઉપલબ્ધ નહી હોવાથી હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઇએ કેસની સુનાવણી તા.૨૧મી ઓગસ્ટે રાખી હતી.
અરજદારપક્ષ તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉઠાવાયા હતા કે,અગાઉ તેણીને અને તેના પરિવારને સરકાર તરફથી પોલીસ રક્ષણ અપાયેલું જ હતુ,જે ૨૦૧૮માં પાછુ ખેંચી લેવાયું છે.આ મુદ્દો સુપ્રીમકોર્ટ સુધી ગયો હતો અને ત્યાંથી મેટર ફરી પાછી હાઇકોર્ટ સમક્ષ આવી છે.જસ્ટિસ નિર્ઝર દેસાઇએ અરજદારપક્ષના એડવોકેટને સવાલ કર્યો હતો કે,શું પોલીસ પ્રોટેકશન પાછુ ખેંચાયા બાદ ચાર વર્ષમાં કોઇ અસાધારણ ઘટના કે બનાવ બન્યો છે.તેથી તેમના વકીલે જણાવ્યું કે,આ સમયગાળા દરમ્યાન ચારેક બનાવો બન્યા છે,જે અંગે તેઓ સોગંદનામું પણ ફાઇલ કરવા તૈયાર છે.
જેથી હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે,અદાલત આ કેસની ફેક્ટ ફાઇન્ડીંગ ઇન્કવાયરીમાં જવા માંગતી નથી.પોલીસ રક્ષણ પાછુ ખંચાયુ તે પછી શું બનાવ બન્યા કોર્ટ તે ચોક્કસ જાણવા માંગે છે.જો કે,તમને ધમકીની દહેશત હોય તો તમે રાજય સરકારમાં અરજી કરી શકો છો અને સરકાર તેની પર યોગ્ય નિર્ણય લેશે.એ નિર્ણયથી નારાજ થઇ તમે હાઇકોર્ટ આવો તો કોર્ટ વિચારણા કરી શકે.દરમ્યાન અધિક સરકારી વકીલે પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે,આ કેસમાં પબ્લીક પ્રોસીકયુટર દલીલો કરી શકે છે,જો કે,આજે તે ઉપલબ્ધ નથી.અલબત્ત,અરજદાર પોલીસ પ્રોટેકશન માટે નવી અરજી સરકારમાં કરી શકે છે અને સરકાર તેની પર કાયદાનુસાર નિર્ણય લઇ શકે છે.તમામ પક્ષોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૨૧મી ઓગસ્ટ પર મુકરર કરી હતી.