અકોલા, તા. 19 માર્ચ 2022, શનિવાર : મહારાષ્ટ્રના અકોલા ખાતે એક મહિલા ખેલાડીનું યૌન શોષણ કરવા મામલે કોર્ટે આરોપી કોચને દોષી ઠેરવ્યો છે.આ કેસમાં પીડિતા ગર્ભવતી થઈ ગઈ હતી.આરોપી કોચ શુદ્ધોદન સહદેવ અંભોરે વિરૂદ્ધ નક્કર પુરાવાઓ મળ્યા હતા.ત્યાર બાદ કોર્ટે તેને દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી.
હકીકતે આરોપી કોચે મહિલા ખેલાડીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ખેલાડી બનાવવાની લાલચ આપીને અનેક વખત તેનું યૌન શોષણ કર્યું હતું.આ બનાવ 30 જુલાઈ 2018નો છે.પીડિત કિશોરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,આરોપી કોચ તેના સાથે શારીરિક સંબંધો બનાવવા માટે તેને ટીમમાંથી બહાર કાઢી મુકવાની ધમકીઓ આપતો હતો.આ કારણે મજબૂરીવશ તેણે કોચની વાત માનવી પડતી હતી.
આ બધા વચ્ચે પીડિતા ગર્ભવતી બની ગઈ હતી.તેને જ્યારે પ્રસુતિ માટે સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી તો ત્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો.હોસ્પિટલના કર્મચારીઓને તે કિશોરી અપરિણીત હોવા છતાં માતા બની હોવાની શંકા જાગી હતી માટે તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.પુછપરછ દરમિયાન કિશોરીએ પોલીસને સમગ્ર વાત જણાવી દીધી હતી.
આરોપીનો DNA ટેસ્ટ
પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી કોચને કસ્ટડીમાં લીધો હતો.જોકે પુછપરછ દરમિયાન આરોપી કોચે પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપો નકારી દીધા હતા અને બાળકી પણ પોતાની ન હોવાનું જણાવ્યું હતું.બાદમાં પોલીસે તેનો DNA ટેસ્ટ કરાવ્યો હતો જેમાં બાળકી તેની જ હોવાનું સાબિત થયું હતું.
અન્ય એક કેસમાં પણ સજા
આ કેસમાં કોર્ટે આરોપીને દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે જ 3.10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.તે સિવાય અન્ય એક મહિલા કબડ્ડી ખેલાડી સાથે છેડતીના આરોપમાં કોચ શુદ્ધોદનને કલમ 354 અંતર્ગત 5 વર્ષ અને કલમ 506 અંતર્ગત 2 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી છે.


