સુરત : આરોપી પુત્ર જયપ્રકાશ તોમર કાર છોડાવવા પાવર આપવા માંગતો હોવાથી પિતાએ અરજી કરીઃપોલીસ રિપોર્ટ મુજબ કોઇ કાર કબજે લેવાઇ નથી સચીન જીઆઈડીસીમાં મુંબઈની હાઈકેલ કંપનીના હેઝાર્ડસ કેમીકલના નિકાલ વેળા ૬ શ્રમિકોના મોતની દુર્ઘટનામાં સાપરાધ મનુષ્ય વધના ગુનામાં જેલવાસ ભોગવતા આરોપી પુત્રને જેલમાં પાવર ઓફ એટર્ની કરાવવા પરવાનગી આપવા અરજદાર પિતાએ કરેલી માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ નકારી કાઢી છે.
સચીન જીઆઈડીસી વિસ્તારમાં ગત જાન્યુઆરી માસમાં ઝેરી કેમીકલના નિકાલ કરતી વખતે સર્જાયેલા ગેસકાંડમાં છ મજુરોના મોત નિપજવા સાથે અન્ય શ્રમિકોના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થવા પામી હતી.આ પ્રકરણમાં સચીન જીઆઈડીસી પોલીસે મુંબઈ તથા વડોદરાની કેમીકલ કંપનીઓના સંચાલક,કર્મચારીઓ તથા ટ્રાન્સપોર્ટર,ટેન્કર ચાલક વગેરે વિરુધ્ધ સાપરાધ મનુષ્યવધના ગુનાઈત કારસા બદલ ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.આ કેસમાં સચીન પોલીસે તા.7 જાન્યુઆરીના રોજ આરોપી જય પ્રકાશ ઉર્ફે ગુડ્ડુ રામકિશોર સિંહ તોમરની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો. જયપ્રકાશ તોમર પાસેથી પોલીસે તપાસ દરમિયાન મારૃતિ સુઝુકી ઈકો કાર ગુનાના કામે કબજે કરી હતી.જેથી આરોપીના પિતા રામકિશોર સિંહ તોમરે આરોપી પુત્ર તેમને પાવર ઓફ એટર્ની આપવા માંગતા હોઈ જેલમાં નોટરી કરાવવા જવા દેવા પરવાનગી માંગી હતી. જેની સુનાવણી દરમિયાન એપીપી જે.એન.પારડીવાલાએ તપાસ અધિકારીનો રિપોર્ટ રજુ કરી જણાવ્યું હતું કે આવી કોઈ કાર કબજે કરવામાં આવી નથી.

