– રાકેશ રામપુરિયા,સાગર શાહ અને વિકાસ ચોપરાની ધરપકડ,હીરા ખરીદનારાઓની તપાસ
સચિન સેઝમાં હવાલા-સ્મગલિંગ- હવાલાનો ખેલ : 1 હજાર કરોડ હોંગકોંગ મોકલાયા; ત્રણની ધરપકડ, બે દિવસના રિમાન્ડ

- આવી રીતે કૌભાંડ કરાયું
કંપનીના સંચાલકો કાગળ પર ઓરિજિનલ ડાયમંડ આયાત કરવાનું બતાવી હલકી કક્ષાના ડાયમંડ મંગાવતા હતા. ઓરિજિનલ ડાયમંડની કિંમત વધુ હોય કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ હોંગકોંગ પહોંચી જતું હતુ.જ્યાં આ કંપની ઉભી કરનાર ભેજાબાજ બેસતો હતો. કંપની ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી 1016 કરોડ હવાલા મારફત મોકલી અપાયા છે. જે હીરા આવતા હતા તેને એક્સપોર્ટ કરવા માટે વીંટી સહિતના દાગીના બનાવી ઓરિજિનલના નામે એક્સપોર્ટ કરી દેવાતા હતા.જેના કારણે કોઇને શંકા થતી ન હતી.આ રીતે 960 કરોડનું બોગસ એક્સપોર્ટ કરવામાં આવ્યં હતું.
- વોટ્સએપ મારફત હોંગકોંગથી આખું ઓપરેશન
હોંગકોંગથી ફાયનાન્સ થયા બાદ કંપની ઊભી કરવામાં આવી હતી. ડાયમંડ કેટલાં આવ્યા, કોને કેટલાં આપવાના છે અને સુરતમાં કોનો સંપર્ક કરવાનો છે બધુ જ સોશિયલ મીડિયા મારફત કરાતું હતુ.હોંગકોંગમાં બેઠેલી વ્યક્તિ સુરતી જ હોવાનું ડીઆરઆઇ માની રહી છે. મોટી ગજાની ડાયમંડ કંપનીઓ પણ તેમાં સામેલ હોવાની શંકાના આધારે ડીઆરઆઇએ હોગકોંગના આરોપીની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
- 2 ટકા કમિશનથી લોકલ માર્કેટમાં પણ હીરા વેચ્યા
ડિરેક્ટરો હવાલાથી રૂપિયા મોકલતા જ હતા પરંતુ સ્થાનિક લેવલે જો કોઇને ઓરિજિનલ હીરા ડ્યુટી ભર્યા વગર જોઇતા હોય તો બે ટકા કમિશન પર આપતા પણ હતા. જેના માટે તેઓ જે સિન્થેટિક ડાયમંડ બે નંબરમાં મંગાવાતા તેની સાથે જ ઓરિજિનલ ડાયમંડ પણ મંગાવી લેતા હતા અને તેને બારોબાર માર્કેટમાં વેચી દેતા હતા.

