સુરત : સંગમ અન્વાયરોમેન્ટ કંપનીના આરોપી ભાગીદાર મૈત્રય વૈરાગીએ ચાર્જશીટ બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ કરેલી જામીનની માંગ રદ સચીન જીઆઈડીસીમાં હાઈકેલ કંપનીના ઝેરી કેમીકલ ઠાલવવા દરમિયાન સર્જાયેલા ગેસ કાંડમાં 6 મજુરોના મોત નિપજાવવા તથા 22 ના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવાના સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસામાંવડોદરાની સંગમ એન્વારોન્મેન્ટ કેમીકલ પ્રા.લિ.ના આરોપી ભાગીદારે ચાર્જશીટ બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ કરેલી જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ દિલીપ પી.મહીડાએ નકારી કાઢી છે.
ગત જાન્યુઆરી માસ દરમિયાન મુંબઈની હાઈકેલ કંપનીના ઝેરી કેમીકલને સચીન જીઆઈડીસીની ખાડીમાં ઠાલવવા દરમિયાન ગેસ દુર્ઘટનામાં છ મજુરોનો મોત નિપજાવવાના કેસમાં મુંબઈની હાઈકેલતથા વડોદરાની સંગમ એન્વાયરોન્મેન્ટ કેમીકલ કંપની(એસઈપીએલ)ના કુલ 18 આરોપીઓ વિરુધ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસા બદલ ફરિયાદ નોંધી 13 આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.જે 18 આરોપીઓ પૈકી 9 આરોપીઓ વડોદરાની કેમીકલ કંપનીના છે.
હાલમાં આ કેસમાં ગઈ તા.11મી જાન્યુઆરીથી જેલવાસ ભોગવતા એસઈપીએલના આરોપી ભાગીદાર મૈત્રય સન્મુખ વૈરાગી(રે.મુક્તાનંદ સોસાયટી, જીએનએફસી કોલોની ભરુચ)એ ચાર્જશીટ બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માટે માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી વિશાલ ફળદુએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી પ્રથમથી જ ગુનામાં સંડોવાયેલા હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીએ સહઆરોપી આશિષ ગુપ્તા સાથે મળીને બોગસ સરનામા,બિલ્ટી,ઈન્વોઈસ બનાવવામાં મદદ કરી છે.આરોપી અન્ય સહ આરોપીઓ સાથે સતત ફોન પર તથા ઈમેઈલ મારફતે સંપર્કમાં રહીને ગુનામાં સક્રીય ભૂમિકા ભજવી છે.જેથી જામીન મુક્ત આરોપી તથા હાલના આરોપીની ભુમિકા વચ્ચે ઘણો ફેર હોય સમન્યાયના સિધ્ધાંત લાગુ પડી શકે નહીં.આરોપીએ એક નહીં પરંતુ ચાર ટેન્કર એક રાજકોટ સચીન તથા બે અંકલેશ્વરમાં ગેરકાયદે રીતે ખાલી કરી લોકોની જીંદગી તથા પર્યાવરણની પરવા કર્યા વિના જાહેરમાં નિકાલ કર્યો છે.આ ગુનામાં હજુ ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે.