નવી િદલ્હી : આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા સત્યેન્દ્ર જૈન અને તેની નજીકના સાથીદારના ઘરે દરોડા પાડ્યા હતા જેમાં મોટી રકમ રોકડ અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે.EDએ સોમવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA)હેઠળ સત્યેન્દ્ર જૈન અને નજીકના સહયોગીઓના ઘર પર દરોડા પાડ્યા હતા.આરોગ્ય મંત્રીની 30 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.હાલમાં તે EDની કસ્ટડીમાં છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મંગળવારે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગના ભાગરૂપે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને તેમના કથિત સહયોગીઓને ત્યાં એક દિવસના દરોડા પછી રૂ.2.85 કરોડની રોકડ અને 133 સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા હતા. EDએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી રોકડ અને સોનાની આવકના કોઈ સ્ત્રોત જાહેર કરી શકાયા નથી.ઇડીએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે રોકડ અને સોનાના સિક્કા ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા હતા.જણાવી દઈએ કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA)ની ફોજદારી કલમો હેઠળ ધરપકડ કરાયેલા સત્યેન્દ્ર જૈનને 31 મેના રોજ ટ્રાયલ કોર્ટે 9 જૂન સુધી ED કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.EDએ આરોપ લગાવ્યો છે કે સત્યેન્દ્ર જૈન 2015-16માં કોલકાતા સ્થિત ફર્મ સાથે હવાલા વ્યવહારમાં સામેલ હતા.

