અમદાવાદ, તા.31 : અમદાવાદની સોલા હોસ્પિટલમાં સર્જાયેલું લાંચકાંડ આરોગ્ય વિભાગ હેઠળ આવતા અન્ય સ્થળોએ પણ જ્યાં હોઇ શકે છે ત્યારે આંતરિક તપાસ કરીને જાણ કરવા માટે લાંચ રૂશ્વત વિરોધી વિભાગે આરોગ્ય તંત્રને પત્ર પાઠવ્યો છે.
રાજ્યના લાંચ-રૂશ્વત વિરોધી વિભાગના ડાયરેકટર કેશવકુમારે કહ્યું હતું કે રાજ્યના આરોગ્ય વિભાગને પત્ર પાઠવાયો છે. સોલા હોસ્પિટલમાં કેટરીંગના કોન્ટ્રકટ તથા બીલ પાસ કરવા માટે 8 લાખની લાંચ લેતા બે તબીબોને પકડી પાડવામાં આવ્યા હતા.આવા જ પ્રકારના ઘટનાક્રમ આરોગ્ય વિભાગ હેઠળના અન્ય સ્થળોએ પણ થતા હોવાની આશંકા નકારાતી નથી ત્યારે આરોગ્ય વિભાગ તપાસ કરીને એસીબીને થકી જાણ કરી,વીજીલન્સ ઇન્સ્પેકશન જારી આવા લાંચકાંડ અટકાવી શકાય છે. અમદાવાદની સોલા હોસ્પિટલમાં 8 લાખની લાંચ લેતા પકડાયેલા ડો. ઉપેન્દ્ર પટેલ તથા ડો. શૈલેષ પટેલ પકડાયા હતા. કોરોનાકાળમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર આ ઘતકજનક છે. લોકો તબીબોને દેવદૂત માને છે અને તેઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર આઘાત સર્જનારો છે.લાંચકાંડમાં પકડાયેલા બન્ને તબીબોને અદાલતમાં પેશ કરીને પાંચ દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યા હતાં. અદાલતે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.
બન્ને તબીબોના નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં ડો. શૈલેષ પટેલના નિવાસેથી ત્રણ લાખ રોકડા મળી આવ્યા હતા.આ ભ્રષ્ટાચારના નેટવર્કમાં અન્ય કોઇ સામેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં લાંચ-રૂશ્વત વિરોધી વિભાગે માત્ર આરોગ્ય વિભાગમાં જ ભ્રષ્ટાચાર-લાંચના 25 કેસો ખુલ્લા પાડ્યા હતા અને 34 અધિકારીઓને સાણસામાં લીધા હતા તેમાંથી 6 ક્લાક-1, 10 કલાસ-ટુ, 12 કલાસ-3 અધિકારી હતા.
પાંચ ખાનગી વ્યકિતએ પણ સાણસામાં સપડાયા હતા. આરોગ્ય વિભાગના એક સીનીયર અધિકારીએ કહ્યું હતું કે સોલા સીવીલ હોસ્પિટલમાં અન્ય પ્રકારની ગેરરીતિ આચરાતી હોવાની શંકાના આધારે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.ખાદ્યચીજો,મેડીકલ સાધનોની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાનો ઇન્કાર થતો નથી.ભુતકાળમાં સોલા હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેટલાક શંકાસ્પદ કિસ્સા પ્રકારમાં આવ્યા હતા અને અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.
ભ્રષ્ટાચારમાં અધિકારીઓ વચ્ચે જ વાદવિવાદ થતા ભાંડો ફુટ્યો હતો.


