ગાંધીનગર : કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કેટલાક સમયથી કૃષિ ક્ષેત્રે સમાન વીજ દર માટે ચલાવાતા આંદોલન છતાં કોઇ પ્રતિસાદ ન મળતા આગામી દિવસોમાં આક્રમક કાર્યક્રમ આપવાનું એલાન કરાયું છે.૪ જુલાઇએ જિલ્લા કક્ષાએ ધરણાંના કાર્યક્રમ યોજાશે.આ મુદ્દે જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી સરકારની રહેશે તેમ જણાવાયું છે.વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે ત્યારે કિસાન સંઘ દ્વારા પડતર માગણી ઉકેલવા આંદોલન શરૂ કરાયું છે.
કિસાન સંઘ દ્વારા મીટર આધારીત અને હોર્સ પાવર આધારીત સમાન વીજ દરની માગણી કરાઇ છે.જેમાં મીટર આધારીત બોરવેલનું વીજ બિલ દર બે મહિને ભરવા અને ફિક્સ ચાર્જમાં રાહત આપવા પણ રજૂઆત કરાઇ છે.તે સાથે એવી પણ માગણીઓ કરાઇ છે કે સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવા તેમજ બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે.કિસાન સૂર્યોદય યોજના-દિવસે વીજળીનો તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવા પણ રજૂઆત કરાઇ છે.
પ્રદેશ મહામંત્રી રમેશ પટેલ દ્વારા જણાવાયું છે કે સરકારનું વારંવાર ધ્યાન દોરવા છતા આંખ ઉઘડતી નહીં હોવાથી જિલ્લામાં ધરણાંના કાર્યક્રમ પછી ગામડામાં પણ આશ્વર્યજનક કાર્યક્રમો અપાશે.આંદોલનનું આયોજન કરવા પ્રદેશ કારોબારી અને ૨૫ જિલ્લાના પ્રમુખોની બેઠક યોજાઇ હતી.જેમાં અગ્રણીઓ બી.કે.પટેલ,અંબુભાઇ પટેલ,વિઠ્ઠલ દુધાત્રા હાજર રહ્યા હતા.