– લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એક્શન મોડમાં આવશે
– આ ઉપરાંત ડમીકાંડમાં સંડોવાયેલા 16 કર્મચારીઓની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવા સરકારનો આદેશ
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહનિર્માણ વિભાગ અને નાણાં વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચારને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.જેથી સરકારે એક્શન મોડમાં આવી કુલ 51 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્વ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવા આદેશ આપ્યા છે.જેમાં 16 કર્મચારીઓ અને અધિકારીઓ ભાવનગરના ડમીકાંડમાં સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા છે.જેથી એસીબીની અલગ અલગ ટીમ દ્વારા તમામ લોકોની અપ્રમાણસર મિલકતોની તપાસ શરૂ કરવામાં આવશે.ગુજરાત રાજ્યમાં કોઇ કૌભાંડમાં સંડોવાયેલા સરકારી કર્મચારીઓ વિરુદ્વ એક સાથે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની આ પ્રથમ ઘટના છે.
થોડા મહિના પહેલા ગુજરાતના સૌથી મોટા ડમીકાંડ કૌભાંડમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.જેમાં 50થી વધુ ખાનગી વ્યક્તિ અને સરકારી અધિકારીઓની સંડોવણી ખુલ્લી થઇ હતી.જે બાબતને ગંભીરતાથી લઇને સરકારે તપાસના આદેશ આપ્યા હતા.જેમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓના નામ બહાર આવ્યા હતા અને 16 જેટલા સરકારી કર્મચારીઓ વિરૃદ્વ પુરાવા પણ મળ્યા હતા.જેના આધારે સરકારે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોને આ તમામ 16 સરકારી કર્મચારીઓ વિરૃદ્વ અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવા સુચના અપાઇ છે.
ACBમાં સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્વ ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતો અંગે માહિતી મળી છે,જેના આધારે એસીબી દ્વારા મળેલી માહિતીના તથ્યો તપાસીને અધિકારીઓ કેસની તપાસ કરવા માટે સરકાર પાસે પરવાનગી માંગવામાં આવે છે.એસીબીના અધિકારીઓને સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ,ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગ,ગૃહ વિભાગ,પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ,મહેસૂલ વિભાગ,બંદર અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય અને પરિવાર અને કલ્યાણ વિભાગ,શિક્ષણ તેમ જ નાણાં વિભાગ સહિતના અનેક સરકારી અધિકારીઓની નામજોગ અરજીઓ મોટા પ્રમાણમાં મળી હતી.જેમાં એસીબીએ તપાસ કરતા તેમને 35 અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્વ કેટલાંક મહત્વના અનેક પુરાવા મળ્યા હતા.જેના આધારે સરકારને રજૂઆત કરવામાં આવતા તમામ 35 અધિકારી અને કર્મચારીઓ વિરુદ્વ તપાસના આદેશ અપાયા છે.આમ, કુલ 51 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્વ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતોની તપાસ કરવામાં આવશે.