નવી દિલ્હી, 1 માર્ચ 2023 બુધવાર : સરકારે ફેબ્રુઆરી મહિના માટે ટેક્સ કલેક્શનને લગતી માહિતી જાહેર કરી છે.ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) મારફતે ભારત સરકારને ફેબ્રુઆરી,2023માં રૂપિયા 1,49,577 કરોડ એટલે કે 1.50 લાખ કરોડની પ્રાપ્તિ થઈ છે.આ અગાઉ સરકારને જાન્યુઆરી મહિનામાં પ્રાપ્ત થયેલી રકમ રૂપિયા 1.58 લાખ કરોડ હતી.
નાણાં મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે જાન્યુઆરી દરમિયાન થયેલી આવકની તુલનામાં ઓછી આવક થઈ છે,જોકે ફેબ્રુઆરી,2022માં રૂપિયા 1,33,026 કરોડની આવક થયેલી તેની તુલનામાં 12 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.આ સાથે સતત 12માં મહિનામાં GST એકત્રિકરણ રૂપિયા 1.4 લાખ કરોડથી ઉપર રહ્યું છે.ડિસેમ્બર,2022માં GST વસૂલાત રૂપિયા 1.5 લાખ કરોડ હતું.એપ્રિલ 2022માં એકત્રિત રૂપિયા 1.68 લાખ કરોડ GST સૌથી વધારે છે.
GST કલેક્શન સાથે સંકળાયેલા આંકડા
ફેબ્રુઆરી મહિનામાં સેન્ટ્રલ GST કલેક્શન રૂપિયા 27,662 કરોડ હતું,જ્યારે સ્ટેટ GST રૂપિયા 34,915 કરોડ રહી છે.જ્યારે ઈન્ટીગ્રેટેડ GST રૂપિયા 75,069 કરોડ અને સેસની આવક રૂપિયા 11,931 કરોડ રહી છે.કુલ GSTની વસૂલાતમાં અગાઉના મહિનાની તુલનામાં ઘટાડો આવ્યો હોય પણ ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વધારે મન્થલી સેસ કલેક્શન જોવા મળ્યું છે.નાણાં મંત્રાલયે કહ્યું કે સામાન્ય રીતે ફેબ્રુઆરી 28 દિવસનો મહિનો હોય છે,માટે વસૂલાતમાં ઘટાડો જોવા મળ્યો છે.
રૂપિયા 8.54 લાખ કરોડની વસૂલાતનો ઉદ્દેશ
ફેબ્રુઆરી મહિનામાં વર્ષ 2023/24 માટે બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકાર માટે GSTની ચોખ્ખી વસૂલાતમાં 12 ટકા વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કરાયો હતો.વર્ષ 2022-23 માટે સરકાર રૂપિયા 8.54 લાખ કરોડની વસૂલાત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.
કોવિડ-19ની કોઈ અસર નહીં
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ચેરમેન વિવેક જોહરીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે GSTની વસૂલાત રૂપિયા 1.50 લાખ કરોડની નવી સામાન્ય સપાટી બની ગઈ છે અને બોર્ડને વિશ્વાસ છે કે તે આગામી દિવસોમાં આ સપાટીથી પણ આગળ વધી જશે. GST એકત્રિકરણમાં વધારો થવા પાછળ સૌથી મોટું કારણ I-T રિટર્ન ભરવા તથા તેને લગતા અનુપાલનમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો છે.કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે.દેશમાં આર્થિક મોરચે મજબૂત સ્થિતિ છે અને કોવિડ-19ની હવે કોઈ જ અસર છે નહીં.