વલસાડ, 12 જૂન : વલસાડમાં હજી શાળાઓ ચાલૂ કરવામાં આવી ન હોવા છતાં કેટલીક ખાનગી પ્રાથમિક શાળાઓ દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવી રહી હોવાની વાલીઓમાં બુમરાણ મચી છે.જેના પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.શાળાઓ દ્વારા હાલના સંજોગોમાં આર્થિક સંકળામણ હોવાથી ફીનું દબાણ ન કરવા માટે વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન આપી શાળાઓને સૂચના આપવા સાથે કાર્યવાહીની માગ કરી છે.લેટ ફીની પેનલ્ટી વસુલ કરવાની પણ વાતો કરાઇ.વાલીઓએ જિ.પ્રાથમક શિક્ષણાધિકારીને કરેલી રજૂઆતોમાં જણાવ્યા મુજબ હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનથી જ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.રાજ્ય સરકારે લોકડાઉનમાં વાલીઓની આર્થિક સ્થિતિને ધ્યાને લઇ કોઇપણ શાળા વિદ્યાર્થીઓની ફી માટે દબાણ કરશે નહિ તેવી કડક ગાઇડલાઇન આપેલી છે.તેમ છતાં વલસાડની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસે ફી ભરી જવાની જાણ કરાઇ રહી છે.જેમાં કેટલીક શાળા માર્ચ,એપ્રિલ અને મે માસની ફી એક સાથે ભરવા માટે દબાણ કરી રહી છે તેવી ફરિયાદો ઉઠી રહી છે.આ ઉપરાંત લેટ ફીની પેનલ્ટી વસુલ કરવાની પણ વાતો કરાઇ રહી છે ત્યારે આવા પ્રકારનું દબાણ કરતી શાળાઓ અને એફઆરસીના નિયમો પાલન ન કરનારી શાળાઓ સામે પણ તપાસ કરવાની માગ કરાઇ છે.કેટલીક શાળાઓ પુસ્તકો લઇ જવા અને ફી ભરી જવા કહેવામાં આવી રહ્યું હોવાનું વાલીઓની ફરિયાદ અરજીમાં જણાવ્યું છે.