– સતત ત્રણ વર્ષ સપાટો બોલાવ્યા પછી ACB નિષ્ક્રિય : હવે, પંચાયતોમાં ચાલતા કૌભાંડોની પોલીસ ફરિયાદોનો સિલસિલો
– બેનામી સંપત્તિના કેસ હવે કરાતાં નથી
અમદાવાદ : ગુજરાતના સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર નાબૂદીનું અભિયાન છેલ્લા પાંચ વર્ષથી વેગવાન છે.આ સમયગાળામાં 105 કૌભાંડી અિધકારીઓ સામે બેનામી સંપત્તિના કેસ કરી 140 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.ત્રણ વર્ષ સુધી સપાટો બોલાવ્યા પછી ગુજરાત એસીબી છેલ્લા છ મહિનાથી સુષુપ્ત અવસૃથામાં જણાઈ રહી છે.જો કે, જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગમાં કૌભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી ચાલી રહી છે.
સરકારી તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારની નાબૂદી માટે એન્ટી કરપ્શન બ્યૂરો પછી હવે જે-તે સરકારી તંત્ર કાર્યરત થયાં છે.છેલ્લા પાંચ જ વર્ષમાં એસીબીએ કૌભાંડી અિધકારીઓ ઉપર પસ્તાળ પાડી છે.કુલ 105થી વધુ કૌભાંડી અિધકારીઓની 140 કરોડથી વધુ કિંમતની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
સરકારી પગાર સાથે પ્રજાના પૈસે લીલાલહેર કરનારાં પર ભીંસ વધારીને હવે પોલીસ ફરિયાદોનો સિલસિલો શરૂ થયો છે.અમદાવાદ જિલ્લામાં જ જિલ્લા પંચાયતના આઠ કરોડ રૂપિયાની ઉચાપત કરાયાની ફરિયાદ નાયબ હિસાબનીશ સામે નોંધાયા પછી હવે આરોગ્ય વિભાગમાં વ્યાપ્ત કૌભાંડની પોલીસ ફરિયાદ સાણંદ પોલીસમાં પણ નોંધાવવામાં આવી છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે લાંચિયા અિધકારી,કર્મચારી સામે કોઈ નાગરિક ફરિયાદ કરે તો એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને ઝડપી લેવામાં આવે છે.દર વર્ષે એસીબી દ્વારા 200થી વધુ કેસ કરીને 350થી વધુ આરોપીને ઝડપી લેવામાં આવે છે.જો કે, છેલ્લા પાંચ વર્ષથી સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારના ભોરિંગ બની પદનો ગેરલાભ લઈને અંગત મિલકતો વસાવનાર અિધકારીઓની મિલકત જપ્તીની કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી રહી છે. વર્ષ 2015થી અત્યાર સુધીમાં અપ્રમાણસર મિલકતો ધરાવતા સરકારી અિધકારી,કર્મચારી ઉપર દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે.અત્યાર સુધીમાં કુલ 105થી વધુ અિધકારી,કર્મચારીની અંદાજે દોઢ અબજ એટલે કે 140 કરોડ રૂપિયા જેટલી મિલકત જપ્ત કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વર્ષ 2015માં આઠ સરકારી અિધકારી,કર્મચારી સામે કેસ કરી 26 કરોડની, 2016માં 21 સામે કાર્યવાહી કરી 26 કરોડ,2016માં 21 સામે કાર્યવાહી કરી 16 કરોડ, 2017માં આઠ સરકારી બાબુ સામે કાર્યવાહી કરી 35 કરોડ, 2019માં 18 સામે તપાસ કાર્યવાહી કરી 15 કરોડ ઉપરાંત વર્ષ 2020માં સૌથી વધુ 38 સરકારી બાબુઓ સામે તપાસ કાર્યવાહી અને દરોડા પછી 27 કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી છે.નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાત એસીબીમાં બેનામી સંપત્તિના કેસો છેલ્લા થોડા મહિનાથી કોઈ કારણસર કરવામાં આવતાં નથી.
બીજી તરફ, અમદાવાદ જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગમાં સરકારી નાણાંના કૌભાંડના ચોંકાવનારાં ખૂલાસા થયાં છે.આ બન્ને કેસમાં પોલીસ ફરિયાદો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.એકંદર, ગુજરાતમાં પગાર ઉપરાંત પ્રજાના પૈસે લીલાલહેર કરતાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે કોઈને કોઈ સ્વરૂપે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.


