– કોંગ્રેસના નેતાઓએ આર્થિક પેકેજના મામલે કેન્દ્રની મોદી સરકારને ઘેરી
નવી દિલ્હી : ગુરુવારે કોંગ્રેસે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી આર્થિક રાહતોને મુદ્દે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે રહાતો માત્ર જુમલા પેકેજ છે અને વડાપ્રધાને વચન આપ્યું હતું તેનાથી તદ્દન અલગ છે.કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીડીપીના 10 ટકા આર્થિક પેકેજની જાહેરાત કરી ત્યારે દેશના લોકોને લાગ્યું કે પીએમ ખરેખર અર્થતંત્રને પાટા પર લાવવા તેમજ કામદારો અને પરપ્રાંતિય મજૂરો પ્રત્યે ગંભીર છે અને એટલે જ તેમની અપેક્ષાઓ વધી ગઈ હતી.
નાણાં મંત્રીએ કરેલી જાહેરાતોથી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે તેમ આનંક શર્માએ વધુમાં જણાવ્યું હતું.કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ઉમેર્યું કે,નાણાં મંત્રી નિર્મલા સિતારમનની જાહેરાત બીજું કંઈ જ નહીં પરંતુ ‘જુમલા પેકેજ’ છે.સુરજેવાલાએ ટ્વીટ કરીને પણ કહ્યું હતું કે નાણાંમંત્રીની બીજા દિવસની જાહેરાતો એવી હતી કે ‘ખોદ્યો ડુંગર અને નિકળ્યો જુમલો’.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ કેન્દ્રને આર્થિક રાહતના નામે મજાક કરી હોવાનું જણાવતા કહ્યું કે,આ કંઈ જ નથી ખાલી પેકેજને માત્ર સારા શબ્દોમાં વણી લઈને ત્રણ દિવસથી રજૂ કરવામાં આવે છે.કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ જણાવ્યું કે,સરકારે કલ્પના કરેલા બીજા આર્થિક પેકેજના બીજા ભાગની નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી.આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સમગ્ર પત્રકાર પરિષદ ઘમંડ,અવગણના અને અસંવેદનશીલતાના ઉદાહરણ સમાન હતી.રસ્તે ચાલીને વતન પરત જવા મજબૂર પરપ્રાંતિય મજૂરો માટે સરકારે શું વ્યવસ્થા કરી તેને લઈને નાણાં મંત્રી કંઈક સ્પષ્ટતા કરે તેવી અપેક્ષા હતી પરંતુ તે અંગ કોઈ જ જાણકારી અપાઈ નહતી.

