સરપ્રાઇઝ ચેકીંગ કરવાથી ઘણી બઘી ગોલમાલ બહાર આવે છે.આવું સરપ્રાઇઝ ચેકીંગ ગુજરાત સરકારના મહેસૂલ,શહેરી વિકાસ અને ગૃહ વિભાગમાં થવું જોઇએ, કેમ કે આ વિભાગોમાં પ્રત્યેક ટેબલ પર વજન મુકવું પડે છે.એક નિવૃત્ત સરકારી અધિકારીના આ શબ્દો છે.તેમણે કહ્યું હતું કે રાજ્યની જિલ્લાકક્ષાની કચેરીઓમાં કરપ્શન થાય તે સ્વાભાવિક છે,કારણ કે જિલ્લામાં બઘાં રાજાપાઠમાં આવેલા હોય છે પરંતુ સચિવાલયમાં ઉપરી અધિકારીઓનું વિભાગની કાર્યવાહીમાં ધ્યાન હોય છે આમ છતાં વિભાગમાં એટલા બઘાં વહીવટદારો પેદા થઇ ચૂક્યાં છે કે સામાન્ય અરજદારને કામ કરાવવું હોય તો લાંચ આપવી પડે છે.
તત્કાલિન કેશુભાઇ પટેલની 1995ની સરકારને યાદ કરતાં આ અધિકારીએ કહ્યું હતું કે એ સમયે રાજ્યના માર્ગ-મકાન મંત્રીનો હવાલો સવજી કોરાટને સોંપવામાં આવ્યો હતો.તેઓ સપ્તાહમાં બે દિવસ માર્ગ-મકાન વિભાગની ઓફિસ અને સાઇટ પર બની રહેલા કાર્યોનું ઓચિંતુ નિરીક્ષણ કરતા હતા અને જો ક્ષતિ જણાય તો અધિકારી,કર્મચારી કે કોન્ટ્રાક્ટર સામે આકરાં પગલાં લેતા હતા.આજે એવા મંત્રીઓની સચિવાલયમાં અછત છે.
આ અધિકારીએ કહ્યું હતું કે એન્ટી કરપ્શન બ્યુરો તરફથી સરકારના તમામ વિભાગોમાંલાંચ લેવી તે ગુનો છે,કોઇ કર્મચારી લાંચ માગે તો અહીં ફરિયાદ કરો… એવા બોર્ડ જોવા મળે છે પરંતુ આ બોર્ડ શોભાના ગાંઠીયા જેવા છે. સૌથી વધુ કરપ્શન તો વિભાગોમાં થાય છે.કોઇ અરજદાર રૂપિયા ખર્ચવાનો ઇન્કાર કરે તો તેનું કામ ટલ્લે ચઢાવી દેવામાં આવે છે.રાજ્યના મુખ્યમંત્રીએ અરજદારની ફાઇલોના નિકાલનું ટાઇમટેબલ બનાવ્યું છે પરંતુ આ સમય પ્રમાણે અરજદારના કામો થતાં નથી.
તેઓ કહે છે કે જ્યાં જમીનનો વેપલો આવે છે તેવા તમામ વિભાગો અને જિલ્લા કચેરીઓમાં કરપ્શન લોહીની સાથે ઘુસી ગયું છે.રાજ્યના વિઝિલન્સ કમિશરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ કરપ્શન જ્યાંથી પકડાય છે તેવા વિભાગોમાં એક થી ત્રણ નંબર પર શહેરી વિકાસ,મહેસૂલ અને ગૃહ વિભાગ આવે છે.આ ત્રણ વિભાગના વડા તેમની હાથ નીચેના કર્મચારીઓની આંતરિક બદલીઓ કરે છે પરંતુ થોડા સમય પછી પરિસ્થિતિ યથાવત થઇ જાય છે.
પ્રામાણિકતાથી નોકરી કરી છે તેવા આ અધિકારીએ કહ્યું હતું કે સાતમા પગારપંચના અમલ પછી એક લાખ કે તેથી વધુ પગાર મેળવતા થયેલા અધિકારીઓને ઉપરની કમાણીમાં કેમ રસ પડે છે તે સમજાતું નથી.આ અધિકારીઓને સરકારે એક વર્ષ સુધી પ્રાઇવેટ કંપ્નીમાં નોકરીની ટ્રેનિંગ આપવી જોઇએ કે જેથી સરકારી નોકરી શું હોય છે તેની ખબર પડી શકે…


