– પરિષદમાં લવજેહાદનાં મુદ્દા ઉપર ભાર મૂક્યો
સિદસર ઉમિયાધામનાં પ્રમુખ અને પાટીદાર અગ્રણી જયરામ પટેલ આજે રાજકોટ આવી પહોંચ્યા છે.અહીં શહેરનાં 150 ફૂટ રિંગરોડ પાસે તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પત્રકાર પરિષદમાં લવજેહાદનાં મુદ્દા ઉપર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે, સરકારે આ મુદ્દે ગંભીરતાથી કામ કરવાની જરૂર છે.જ્યારે વિધાનસભા ચૂંટણીઓ અંગે જણાવતા કહ્યું હતું કે, પાટીદાર સમાજનાં ઉમેદવારો માટે ગત ચૂંટણીમાં શાસક પક્ષે 50 ટીકીટો આપી હતી.આ વખતે પણ ટીકીટ માંગવામાં આવશે..
જયરામ પટેલનાં જણાવ્યા મુજબ, લવજેહાદ મોટો પ્રશ્ન છે અને સરકારે ગંભીરતા પૂર્વક લવ જેહાદ મુદ્દે કામ કરવુ જરૂરી છે.લવજેહાદ મામલે ખાસ કાયદો બનાવવો જોઇએ.જે અંતર્ગત લગ્ન કરવા માટે માતા પિતાની સહમતી ફરજીયાત કરવી જોઈએ. સામાન્ય રીતે કોલેજમાં ભણતી દીકરીઓમાં પીઢતા હોતી નથી. માટે માતા-પિતા અને સરકારે જાગૃત રહેવાની જરૂર છે.વધુ પડતી રીતે પીજી કે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ જ લવજેહાદનો ભોગ બને છે.જો કે સમાજના ભવનમાં રહેતી દીકરીઓમાં લવ જેહાદનો પ્રશ્ન ઓછો બને છે.તો સાથે જ લવમેરેજ સમયે રજિસ્ટ્રાર સમક્ષ માતા પિતાની હાજરી ફરજીયાત કરવા સહિતનાં નિયમો બનાવવા જોઈએ.સાથે જે દીકરીઓ પરત આવવા માંગતી હોય તે મુદ્દે પણ કામ કરવું જરૂરી છે.આ માટે અમારી સંસ્થા કટિબદ્ધ છે.ત્યારે હવે સરકાર આ મુદ્દે શુ પગલાં લેશે તે જોવું રહ્યું.
બીજી તરફ આગામી વિધાનસભા-2022ની ચૂંટણીઓ અંગે જયરામ પટેલે કહ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં 50 ટિકિટની માંગણી કરવામાં આવી હતી.અને શાસક પક્ષે 50 ટિકિટ આપી પણ હતી. ત્યારે આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે.કારણ કે 25 થી વધારે સીટ ઉપર પાટીદાર સમાજની નિર્ણાયક ભૂમિકા રહે છે.ખાસ તો વિધાનસભા – 69 સીટ માટે પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવા પ્રયત્નો કરીશું.અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા,વાણિયા અને કારડીયા તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ સીટ પરથી લડ્યા અને જીત્યા છે.ત્યારે આ બેઠક પાટીદાર સમાજ માટે મહત્વની બની રહેશે.ઉલ્લેખનીય છે કે, હાલ આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે.