– 10 કરોડ ગરીબોના બેંક ખાતામાં ડાયરેક્ટ રકમ જમા કરાવવા અંગે વિચારણા
નવી દિલ્હી, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર
સરકાર કોરોના વાઇરસનો સામનો કરવા માટે સરકાર 1.5 લાખ કરોડ રૂપિયા(19. 6 અબજ ડોલર)નું આર્થિક રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે તેમ આ ક્ષેત્ર સાથે સંબધિત સૂત્રોએ જણાવ્યું છે. જો કે આ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આર્થિક પેકેજ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ, નાણા મંત્રાલય અને રિઝર્વ બેંકના અધિકારીઓ વચ્ચે આ સંદર્ભમાં ચર્ચા ચાલી રહી છે.અન્ય એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર 2.3 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. જો કે આંકડો અંતિમ નથી અને આ સંદર્ભમાં ચર્ટા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સપ્તાહના અંતમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પેકેજમાં 10 કરોડ ગરીબોના ખાતામાં ડાયરેક્ટ રકમ જમા કરાવવા અને લોકડાઉનને કારણે બંધ પડેલા ઉદ્યોગોને મદદ કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને ગઇકાલે 21 દિવસ માટે સમગ્ર દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. એટલે કે દેશના 130 કરોડ લોકોને ઘરમાં બંધ રહેવું પડશે.