– રજૂઆતો બાદ પણ પોલીસે રેડ કેમ નહીં કરી અને જનતા રેડ થઈ તેવી પરિસ્થિતિ નું નિર્માણ કેમ થયું તે મુદ્દે તપાસ સોંપવામાં આવી
બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં સરભોણ ગામે ચાંદદેવી ફળિયામાં મંગળવારે દારૂ બંધ કરાવવા ગયેલા સ્થાનિક યુવાનો પર બુટલેગરો દ્વારા હુમલો કરતાં બે જુથ વચ્ચે મારામારી થઈ હતી.આ સમગ્ર પ્રકરણમાં બારડોલી પોલીસે ભૂંડી ભૂમિકા ભજવી બુટલેગરો તરફી પ્રથમ ફરિયાદ લીધી હતી.જો કે ત્યારબાદ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ થતાં બુટલેગર અને તેમના સમર્થકો સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો.આ સમગ્ર પ્રકરણમાં ભારે વિવાદ બાદ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ સરભોણની મુલાકાત લીધી હતી અને સ્થાનિક પોલીસ સામે ખાતાકીય તપાસના આદેશ કરતાં ફફડાટ ફેલાય ગયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં સરભોણ ગામે ચાંદદેવી ફળિયામાં ગત મંગળવારની રાત્રે દારૂબંધીનું અભિયાન ચલાવતા સ્થાનિક આદિવાસી યુવાનો દારૂનું વેચાણ કરતાં બુટલેગરોને દારૂ વેપાર બંધ કરવા જણાવતા બુટલેગરો અને તેના સમર્થકોએ દારૂબંધીની ચળવળ ચલાવતા યુવાનો પર હુમલો કર્યો હતો.આ સમગ્ર પ્રકરણમાં શરૂઆતથી જ બુટલેગર તરફે પોલીસે કૂણું વલણ અપનાવી દારૂબંધીની લડત ચલાવતા યુવાનો સામે જ રાયોટિંગની ફરિયાદ નોંધી હતી.જે બાબતને લઈ મોટો વિવાદ સર્જાયો હતો.અને બુધવારે બપોરે સ્થાનિકોનું ટોળું સરભોણ આઉટ પોસ્ટ પર પહોંચી ગયું હતું.સ્થાનિક પોલીસ વિરુદ્ધ જુવાર જોઈ પોલીસે બુટલેગર અને તેના સમર્થકો વિરુદ્ધ રાયોટિંગની ફરિયાદ નોંધી હતી.જો કે, આ ઘટનાક્રમ પર નજર કરીએ તો સમગ્ર પ્રકરણમાં બારડોલી પોલીસની ભૂમિકા છેલ્લા એક વરસથી શંકાસ્પદ રહી છે.છેલ્લા એક વરસથી સ્થાનિક યુવાનો દારૂબંધી માટે લડત ચલાવી રહ્યા છે.અવારનવાર પ્રાંત અધિકારી તેમજ નાયબ પોલીસ અધિક્ષકને આ બાબતે બુટલેગરોના નામ સાથે આવેદનપત્ર રજૂઆત કરતાં રહ્યા છે.પરંતુ પોલીસે દારૂબંધી માટે અસરકારક કામગીરી કરી ન હતી અને વિખવાદ હુલ્લડ સુધી પહોંચી ગયો હતો.હુલ્લડ બાદ પણ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે.અચાનક સમગ્ર પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ સરભોણ ગામની મુલાકાત લીધા બાદ સ્થાનીક પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમની શંકાસ્પદ કામગીરી સામે ખાતાકીય તપાસનો આદેશ કર્યો છે.જિલ્લા પોલીસ વડાએ તપાસમાં જણાવ્યુ છે કે, સ્થાનિકોની રજૂઆત બાદ પણ પોલીસે કેમ કાર્યવાહી નહીં કરી?, લોકોએ કેમ રેડ કરવા જવું પડ્યું હતું આ પ્રકારના મુદ્દા સાથે તપાસ સોંપતા આવનારા દિવસોમાં ખાતાકીય પગલાંની શક્યતા નકારી શકાય તેમ નથી.
સમગ્ર ઘટના અંગે ખાતાકીય તપાસ સોંપવામાં આવી : જિલ્લા પોલીસ વડા ઉષા રાડા
આ અંગે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જણાવ્યુ હતું કે, સમગ્ર ઘટના અંગે ખાતાકીય તપાસ સોંપવામાં આવી છે.સ્થાનિક પોલીસે રજૂઆત બાદ પણ રેડ કેમ ન કરી અને જનતાએ રેડ કરવાની કેમ ફરજ પડી તે બાબતે તપાસ કરવામાં આવશે.