બેલગ્રાડે, તા.૨૩ : સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે સતત ત્રીજી મેચમાં ત્રણ સેટના સંઘર્ષ બાદ ૪-૬, ૬-૧, ૬-૨થી રશિયાના ખાચાનોવને હરાવીને સર્બિયા ઓપનની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. યોકોવિચની આ સિઝનની સૌપ્રથમ ફાઇનલ છે, જ્યાં તેનો મુકાબલો રશિયાના જ રુબ્લેવ સામે થશે. સેકન્ડ સીડેડ રુબ્લેવે ઈટાલીના ફોગ્નીનીને સીધા સેટોમાં ૬-૨ ,૬-૨થી હરાવ્યો હતો.યોકોવિચે કોરોનાની રસી લીધી નથી અને આ કારણે તે ઓસ્ટ્રેલિયન ઓપન સહિતની મેજર ટુર્નામેન્ટ્સ ગુમાવી હતી.તે આ અગાઉ દુબઈ ચેમ્પિયનશિપમાં અને મોન્ટે કાર્લો માસ્ટર્સમાં રમ્યો હતો.દુબઈમાં તે ક્વાર્ટર ફાઈનલમાં ચેક રિપબ્લિકના વેસ્લી સામે અને મોન્ટે કાર્લોમાં તે પ્રથમ મેચમાં જ સ્પેનના ફોકિના સામે હાર્યો હતો.યોકોવિચે ઘરઆંગણે ચાલી રહેલી સર્બિયા ઓપનમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો.આ ટુર્નામેન્ટ દરમિયાન યોકોવિચ તેના પુત્ર સ્ટેફાન સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. યોકોવિચનો પુત્ર સ્ટેફાન નડાલનો ફેન છે.
બાર્સેલોના ઓપન : અલકારાઝે સિત્સિપાસને હરાવતા અપસેટ
બાર્સેલોના : પાંચમો સીડ ધરાવતા સ્પેનના અલકારાઝે ત્રણ સેટના મુકાબલામાં ૬-૪, ૫-૭, ૬-૨ થી ટોપ સીડ ધરાવતા ગ્રીસના સિત્સિપાસને ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને અપસેટ સર્જ્યો હતો. ૧૮ વર્ષનો અલકારાઝ ટોપ-૧૦માં પ્રવેશનારો ૨૦મો ટીનએજર બન્યો હતો.જ્યારે ૨૦૦૭ પછી પહેલી વખત ટીનએજર ખેલાડી એટીપીના ટોપ -૧૦ રેન્કિંગમાં પ્રવેશ્યો છે. છેલ્લે મરેએ આવી સિદ્ધિ મેળવી હતી.અલકારાઝ વર્ષ ૨૦૦૫ પછી એટીપીમાં ટોપ-૧૦માં પ્રવેશનારો નડાલ પછીનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.હવે તે ઓસ્ટ્રેલિયાના ડે મિનાઉર સામે ટકરાશે. જેણે ૬-૩, ૫-૭, ૬-૧થી નોરીને હરાવ્યો હતો.અન્ય સેમિ ફાઇનલમાં સ્પેનનો કારેનો આર્જેન્ટીના સ્વાર્ટ્ઝમાન સામે ટકરાશે. કારેનોએ સેકન્ડ સીડેડ રુડને ૪-૬, ૭-૬ (૧૦-૮), ૬-૩થી અને સ્વાર્ટ્ઝમાને ત્રીજો સીડ ધરાવતા આલિયાસિમને ૩-૬, ૬-૨, ૬-૩થી પરાજીત કર્યો હતો.


