અમદાવાદ : અમદાવાદ શહેરમાંસતત છઠ્ઠા દિવસે શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વિવિધ વિસ્તારમાં વરસાદ થવા પામ્યો હતો.દૂધેશ્વરમાં બે,ઉસ્માનપુરામાં પોણા બે અને દાણાપીઠ વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ વરસી પડયો હતો.વિવિધ વિસ્તારમાં બ્રેકડાઉનની ચાર,વૃક્ષ ધરાશાયી થવાની ત્રણ ઉપરાંત રોડ સેટલમેન્ટની એક ફરિયાદ મ્યુનિ.તંત્રને મળી હતી.શુક્રવારે સવારે છ થી રાતના આઠ કલાક સુધીમાં શહેરમાં સરેરાશ ૧એક ઈંચ વરસાદ પડતા મોસમનો અત્યાર સુધીનો કુલ વરસાદ ૧૭ ઈંચ થવા પામ્યો હતો.વાતાવરણ જોતા હજુ વરસાદ થવાની સંભાવના વ્યકત કરાઈ છે.
શુક્રવારે સાંજે પાંચ કલાકે શહેરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વીજ કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસતા દોઢ કલાકમાં અડધા ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડયો હતો.શાહપુર, દરિયાપુર ઉપરાંત દાણાપીઠ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.શાહીબાગ ઉપરાંત શહેરના જોધપુર,બોડકદેવ,સરખેજ તેમજ બોપલ સહિતના વિસ્તારમાં પણ સાંજના સમયે પડેલા વરસાદને કારણે નોકરી-ધંધાના સ્થળથી ઘર તરફ પરત ફરી રહેલા શહેરીજનોને વરસાદ બંધ થાય એની રાહ જોવી પડી હતી.
ઉસ્માનપુરા,મણિનગર,ઈન્કમટેકસ,આશ્રમરોડ,પ્રહલાદનગર તેમજ દૂધેશ્વર વિસ્તારમાં પણ વરસાદને પગલે વિવિધ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.આંબાવાડી,મકરબા,એસ.જી.હાઈવે,સેટેલાઈટ, નહેરુનગર તેમજ પાલડી સહિતના વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.કેટલાક વિસ્તારમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી પડયો હતો.
મ્યુનિ.ના કંટ્રોલરુમને ચોવીસ કલાકમાં દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાંથી બ્રેકડાઉનની ચાર ફરિયાદ મળી હતી.જેની કામગીરી ચાલી રહી છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રોડ સેટલમેન્ટની એક ફરિયાદ મળી હતી.પૂર્વ ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વૃક્ષ ધરાશાયી થવાની એક-એક ફરિયાદ મળી હતી.પશ્ચિમ ઝોનમાં ભયજનક મકાન અંગેની એક ફરિયાદ મળી હતી.વાસણા બેરેજ ખાતે પાણીનું લેવલ ૧૨૭ ફુટ ઉપર નોંધાયેલુ છે.


