– ગરીબોને રોકડ સહાયથી માંડીને ઉદ્યોગોને ક્રેડીટ ગેરેંટી સુધીની જાહેરાત હશે પેકેજમાં : ખેડૂતો,શ્રમિકો,નાના ઉદ્યોગો,પગારદારો સહિત તમામ વર્ગોને પેકેજમાં આવરી લેવાશે : ઈન્વેસ્ટમેન્ટ વધે અને નોકરીની તક વધે તેવા પગલા હશે પેકેજમાં : બેન્ક,વિમા સહિતના સેકટરોને આવરી લેવાશે :ગ્રામિણ ગરીબો હશે કેન્દ્ર સ્થાને : નાના વેપારીઓને પણ રાહત મળશે
નવી દિલ્હી,તા. ૧૩ : કેન્દ્રીય કેબીનેટ આજે સર્વગ્રાહી આર્થિક પેકેજને મંજુરી આપશે.ગઈકાલે વડાપ્રધાને જાહેરાત કરી હતી કે કોરોના સંકટથી અસરગ્રસ્ત તમામ સેકટર અને તમામ લોકો માટે ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવશે.આ પેકેજમાં ગરીબોને રોકડ સહાય અને ઉદ્યોગોને ક્રેડીટ ગેરેન્ટીનો સમાવેશ થયેલો હશે.આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પેકેજોમાં કૃષિ,બેન્કીંગ,વિમા સહિતના સેકટરો માટે રાહતો જાહેર કરવામાં આવશે.સરકારનો હેતુ છે કે અર્થતંત્ર દોડતુ થાય અને લોકોની પરેશાની ઘટે,એટલુ જ નહિ ડીમાન્ડ વધે અને નવુ રોકાણ આવે,રોજગારી વધે તેવો પણ સરકારનો હેતુ છે આજે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબીનેટ મંજુરી આપે તે પછી નાણામંત્રી સિતારામન આર્થિક રાહત પેકેજનું એલાન કરશે.આ પેકેજને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે.
પ્રથમ ચરણમાં ૧૬ લાખ કરોડનું રાહત પેકેજ હશે તેવુ માનવામાં આવે છે.જેમા વિમા ક્ષેત્રે એફડીઆઈ ૭૪ ટકાથી વધારવામાં આવશે,સરકારની ઈકટીવી બેન્કોમાંથી ઘટાડવામાં આવશે.ભારત ઈન્વેસ્ટમેન્ટનું હબ બને તે માટે બજારો ખોલવામાં આવશે.નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો આપવા લીકવીડીટી અને કેરીડ ગેરેંટીની સહાય પણ આપવામાં આવશે.આ પેકેજમાં ગરીબ અને શ્રમિક કામદારોને ફુડ,રોકડ અને અન્ય રાહતોની બાબત હશે.ગ્રામીણ ગરીબો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.ઈન્ફ્રાસ્ટ્રકચરના રીફોર્મ્સ પર પણ ભાર મુકવામા આવશે.સરકારે જાહેરાત કરી છે કે જીડીપીના ૧૦ ટકા જેટલુ રાહત પેકેજ હશે.જેમાં ખેડૂતોને પણ કેન્દ્ર સ્થાને રખાશે.પીએમ કિસાન સન્માન યોજનાનું વિસ્તરણ થઈ શકે છે એટલુ જ નહિ ખેડૂતોની આવક વધારવાના પગલા પણ જાહેર થશે.આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે લેન્ડ,લેબર,લીકવીડીટી અને લો પર ભાર મુકાશે.નોકરીયાત વર્ગને પણ ટેકસમાં રાહત આપવામાં આવે તેવી પણ શકયતા છે.વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરે તે માટેની જાહેરાતો પણ પેકેજમાં હશે.આ પગલા થકી નોકરીની નવી તકો ઉભી થશે.