– ઈઝરાયલથી દુબઈ જવા માટે સાઉદી અરેબિયા સિવાયનો રસ્તો પસંદ કરવામાં આવે તો 3ના બદલે 8 કલાકથી પણ વધારે સમય લાગી શકે
નવી દિલ્હી, તા. 26 મે : સાઉદી અરેબિયાએ મંગળવારે અચાનક જ ઈઝરાયલી ફ્લાઈટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું.આ કારણે દુબઈ માટે રવાના થતા પહેલા બેન ગુરિયન એરપોર્ટ પર ઈઝરાયલ એરલાઈન્સની ફ્લાઈટને 5 કલાક મોડું થયું હતું.સાઉદી અરેબિયાએ આ માટે કોઈ કારણ નહોતું આપ્યું.
ઈઝરાયલની ફ્લાઈટ સ્થાનિક સમયાનુસાર સવારે 9 કલાકે ઉડાન ભરવાની હતી પરંતુ સાઉદી અરેબિયાએ જરૂરી પરમિટ આપવાની ના પાડી દીધી હતી.ત્યારબાદ અલ અલ ઈઝરાયલની ફ્લાઈટ મંગળવારે બપોરે સાઉદી હવાઈ ક્ષેત્રથી ઉડાન ભરવાની મંજૂરી સાથે દુબઈ માટે રવાના થઈ હતી.સાઉદી અરેબિયાએ પરમિટ શા માટે ન આપી તેનું કારણ સામે નથી આવ્યું.
સાઉદી અરેબિયાએ નવેમ્બરમાં ઈઝરાયલની ફ્લાઈટ્સને દુબઈ માટે પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે તેમ કહ્યું હતું પરંતુ મંગળવારે તેલ અવીવથી દુબઈની પહેલી ફ્લાઈટ ઉડાન ભરે તેના થોડા કલાક પહેલા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.ઈઝરાયલથી દુબઈ જવા માટે સાઉદી અરેબિયા સિવાયનો રસ્તો પસંદ કરવામાં આવે તો 3ના બદલે 8 કલાકથી પણ વધારે સમય લાગી શકે છે.
અબ્રાહમ સમજૂતી બાદ ઈઝરાયલ અને યુએઈ વચ્ચે તરત જ વાણિજ્યિક ઉડાન શરૂ થઈ ગઈ હતી.આ સમજૂતીના કારણે ઈઝરાયલ અને યુએઈ વચ્ચેના સંબંધો સામાન્ય થઈ ગયા હતા.બાદમાં મોરક્કો અને સુડાન ઉપરાંત બહરીન પણ આ ઐતિહાસિક કરારમાં સામેલ થયું હતું.