બારડોલી : બારડોલીના સાગી લાકડા તોડ પ્રકરણમાં સુરત જિલ્લા એલ.સી.બી.એ એક વર્ષ બાદ લાકડાનો જથ્થો પૂરો પાડનાર વ્યારાના કટાસવાણ ગામના 35 વર્ષીય શખ્સની ધરપકડ કરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર ગત ઓગસ્ટ 2019 દરમ્યાન વ્યારાથી બિનઅધિકૃત સાગી લાકડાની સાઇઝ ભરી ટેમ્પો ડીસા તરફ રવાના થયેલો ટેમ્પો ત્યારે બારડોલી નજીક અગાસી માતાના મંદિરની સામે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે ટેમ્પો આવતા કાળા રંગની સ્કોર્પિયોમાંથી યુનિફોર્મ પહેરીને ઉતરેલા પોલીસ કર્મચારીએ ટેમ્પો અટકાવી ટેમ્પો ચાલક સરદારનું અપહરણ કરી દસ લાખની ખંડણી માંગી હતી.આ પ્રકરણમાં સ્કોર્પિયોમાં આવેલા પોલીસ કર્મચારીએ જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીના નામે ખંડણી માંગી હોવાનું બહાર આવ્યું હતું.તપાસ દરમ્યાન હેડક્વાટર ખાતે ફરજ બજાવતા હે.કો. દિપક મ્હાલેનું નામ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસ આ પ્રકરણમાં દિપક મ્હાલેના ફોલ્ડરિયા ધર્મેશ મૈસુરિયા અને ટેમ્પોના ચાલકની પણ ધરપકડ કરી હતી.જ્યારે રામલાલ મારવાડી અને જથ્થો પૂરો પાડનાર ઈસમ વોંટેડ હતા.આ પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબીએ લાકડાનો જથ્થો પૂરો પાડનાર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામે રહેતા જિતેન્દ્ર ઉર્ફે જીતુ રમણભાઈ ગામિત (35)ની અટકાયત કરી હતી.પોલીસે હાલ કોવિડ 19 ટેસ્ટ કરાવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવનાર હોવાનું જણાવ્યુ હતું.જીતુની પૂછપરછમાં તોડ પ્રકરણ અંગે વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.


