સુરત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કંટવાવ ગામે રહેતી 12 વર્ષીય બાળકી ઘરના ઓટલા ઉપર આવેલ મોભ સાથે સાડીનો હિંચકો બનાવી હીંચકા ઝૂલી રહી હતી તે સમયે સાડી ગળાના ભાગે વીંટાઈ જતાં ફાંસો લાગી જતાં તેનું મોત નીપજયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાનાં કંટવાવ ગામે મંદિર ફળિયામાં રહેતા ભરતભાઇ રંગજીભાઈ ચૌધરી નાઓ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના બે સંતાનો પૈકી એક 15 વર્ષીય પુત્ર જિગરભાઈ તથા તેનાથી નાની 12 વર્ષીય હેત્વીબેન છે.જે ધોરણ 7 માં અભ્યાસ કરે છે. ગતરોજ સવારના સમયે ભરતભાઇ તેમના પુત્ર જિગરને હાઉસ્કૂલમાં હોસ્ટેલમાં મૂકવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવી પુત્ર જિગરના કપડાં ધોવા માટે ગામની સીમમાં આવેલ ખાણમાં ગયા હતા.તે સમયે 12 વર્ષીય દીકરી હેત્વી ટીવી જોતી હતી અને હાલ સ્કૂલ બંધ હોવાથી તે ઘરના ઓટલા ઉપર સાડીનો હિંચકો બાંધી હીંચકા ઝૂલી રહી હતી.તે સમયે સાડી ગળાના ભાગે વીંટાઈ જતાં તેને ફાંસો લાગી ગયો હતો.અને નીચે પડી હતી.તે સમયે પાડોશમાં રહેતા દીપકભાઈને જાણ થતાં તેમણે ભરતભાઈને કહેતા ભરતભાઇ ઘરે આવી જોતાં પુત્રીનું ગળે ફાંસો લાગી જતાં મોત નીપજયું હતું.બનાવ અંગે માંગરોળ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


