અમદાવાદ : શહેરની શાન સાબરમતી નદીમાં ઠલવાતાં નર્મદાનાં પાણી પણ હાલ ગટરનાં ગંદા પાણીથી પ્રદૂષિત થઇ રહ્યાં છે અને તેના કારણે કરોડો રૂપિયાનો વેડફાટ થયો હોવાનો આક્ષેપ મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતાએ કર્યો છે.મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે,શહેરની મધ્યમાથી વહેતી સાબરમતી નદીમાં ગટરનાં પાણીને રોકવા માટે કેન્દ્રની યુપીએ સરકારે નેશનલ રિવર કોન્ઝર્વેશન પ્લાન અંતર્ગત મ્યુનિ.ને ૧૦૦ કરોડની જંગી ગ્રાન્ટ આપી હતી,તેના આધારે તો રિવરફ્રન્ટનાં નામે શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાંથી આવતાં ગટરનાં પાણીને અટકાવવાનાં પગલાં લેવાયા છે.રિવરફ્રન્ટમાં મોટી ગટર લાઇન નાખવા છતાં ગટરનાં પાણીનો આવરો એટલો વધી ગયો છે કે,વરસાદી પાણીનાં ઓવરફ્લો માટેની પાઇપોમાંથી ગમે ત્યારે ગટરનાં પાણી ઓવરફલો થઇને નદીમાં વહેવા લાગે છે.તાજેતરમાં તો રિવરફન્ટમાં વોક વે જેવી જગ્યાએથી ગટરનાં પાણી ઉભરાઇને નદીમાં વહેતા હોવાનું જાણવા મળ્યું હતું તેમ મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતાએ જણાવ્યું હતું.
એટલું જ નહિ,ગાંધીનગર તરફનાં છેવાડાનાં વિસ્તારો અને ગાંધીનગર હદ વિસ્તારમાંથી સાબરમતી નદીમાં છોડવામાં આવતાં ગટરનાં પાણી અટકાવી શકાયા નથી,થોડા સમય અગાઉ હાઇકોર્ટનાં કડક વલણને પગલે સરદારનગર વોર્ડમાં નદી કિનારાની ૨૫ જેટલી સોસાયટીઓનાં ગટર કનેકશન ધરાવતી સ્ટોર્મ વોટર લાઇનને બંધ કરવામાં આવી હોવાનાં દાવા છતાં આ સોસાયટીઓનાં ગટરનાં પાણી ઓવરફ્લો થઇને નદીમાં વહેતાં હોવાનું જાણવા મળ્યું છે.તે સિવાય કોતરપુર,નાના ચિલોડા અને આસપાસનાં વિસ્તારોનાં ગટરનાં પાણી બેરોકટોક નદીમાં ઠલવાય છે.
સાબરમતી નદીમાં ગટરનાં પાણીનો આવરો અટકાવવામાં નિષ્ફળતાને પગલે નદીમાંથી પાણી લેવા માટે બનાવાયેલાં સાત ફ્રેન્ચવેલનો કરોડો રૂપિયાનો ખર્ચો પણ માથે પડ્યો છે.ગટરનાં પાણી અટકાવીને ફ્રેન્ચવેલનો ઉપયોગ કરવાને બદલે મ્યુનિ.સત્તાધીશોએ નર્મદામાંથી સીધુ પાણી લેવાનાં નામે બીજા કરોડો રૂપિયા નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ ખર્ચ્યા હોવાનો આક્ષેપ મ્યુનિ.વિપક્ષનેતાએ કર્યો હતો. સાબરમતી નદીને પ્રદૂષિત પાણીથી મુક્ત કરવામાં નિષ્ફળ મ્યુનિ.સત્તાધીશો સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર મળ્યાનાં બણગાં ફૂંકે છે તેનાથી મોટી વિસંગતતા કઇ હોઇ શકે તેમ મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતાએ જણાવ્યું હતું.