સામાન્ય માણસ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે.
મોંઘવારી ચારેતરફથી સામાન્ય વર્ગને ઘેરી રહી છે.તમામ ચીજવસ્તુઓના ભાવ એ હદે વધી ગયા છે કે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે.પેટ્રોલનો ભાવ 101ને પાર થઈ ગયો છે.જ્યારે ડીઝલનો ભાવ 100 રૂપિયાની સપાટી વટાવી ગયો છે.તે જ રીતે CNGનો ભાવ 60 રૂપિયાની સપાટી વટાવી ગયો છે. તો બીજી તરફ PNGના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે.ઈંધણ મોંઘુ થતા તેની અસર શાકભાજીના ભાવ ઉપર પણ પડી છે.શાકભાજીના ભાવ પણ ભડકે બળી રહ્યા છે.ત્યારે સામાન્ય માણસ હવે એ વિચારવા મજબૂર થઈ ગયો છે કે ઘર કેવી રીતે ચલાવવું?
નેચરલ ગેસના ભાવ વધ્યા બાદ અદાણી સહિતની ગેસ કંપનીઓ બેફામ રીતે CNG-PNGના ભાવ વધારવા લાગી છે.અદાણી ગેસે ચાલુ મહિને સતત ત્રીજીવાર ગેસનો ભાવ વધાર્યો છે.અદાણી ગેસે CNGના ભાવમાં 1.63 રૂપિયા અને PNGના ભાવમાં 70 રૂપિયાનો વધારો ઝીંક્યો છે.જેના કારણે મધ્યવર્ગ પર ખર્ચનો બોજો વધી ગયો છે. CNGનો ભાવ રૂ.59.86થી વધીને રૂ.61.49 થયો છે.જ્યારે ઘર વપરાશના પીએનજીમાં 1.60 MMBTU સુધીના વપરાશ માટે રૂ.70નો વધારો કરાતા નવો ભાવ 1 હજાર 60 રૂપિયા રહેશે.જ્યારે 1.60 MMBTUથી વપરાશ વધે તો તેમાં 84 રૂપિયાનો વધારો કરાતા નવો ભાવ 1 હજાર 273 રૂપિયા રહેશે. મહત્વનું છે કે 1 ઓક્ટોબરે નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ અદાણી ગેસ દ્વારા 2 અને 6 ઓક્ટોબરે વધારો કરાયો હતો.ત્યારબાદ એક સપ્તાહમાં આ ત્રીજો વધારો કરાયો છે.ગુજરાત ગેસના પીએનજીનો ભાવ રૂ.29 પડે છે જ્યારે અદાણી પીએનજીનો ભાવ રૂ.45થી 50 વચ્ચે પડશે.

