– અધ્યક્ષની નિમણુંકમાં ભાજપના કેટલાક કોર્પોરેટર સમર્થક માસ્ક વિનાના દેખાયા
સુરત, તા. 24 માર્ચ : સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે માસ્ક ફરજિયાત પહેરવા માટે મ્યુનિ. કમિશ્નર લોકોને અપીલ કરી રહ્યાં છે. મ્યુનિ.ની અપીલને લોકો પ્રતિસાદ આપી રહ્યાં છે પરંતુ ચુંટાયેલી પાંખના કેટલાક કોર્પોરેટરો અને તેમના સમર્થકો મ્યુનિ. કમિશ્નરની અપીલને ગણકારતા નથી.સુરત મ્યુનિ.ના વિવિધ સમિતિના અધ્યક્ષોની વિધિવત નિમણુંક વખતે આજે મોટા ભાગના કોર્પોરેટરોને અને સમર્થકોએ માસ્ક પહેર્યા હતા પરંતુ વિવાદમાં રહેતાં કેટલાક કોર્પોરેટરોએ માસ્ક ન પહેરીને ફરી વિવાદ ઉભો કર્યો છે.લોકો પાસે દુકાનાં જઈને માસ્ક ન હોય તો એક એક હજાર રૃપિયા વસુલ કરતી પાલિકા પોતાની જ કચેરીમાં માસ્ક ન પહેરતાં કોર્પોરેટરો પાસે દંડ વસુલ કરી શકી ન હતી.
સુરત મ્યુનિ. તંત્ર કોરોના સંક્રમણ અટકાવવા માટે આક્રમક બન્યું છે અને કોરોનાના વધુ કેસ હોય તેવી સોસાયટીના લોકો બહાર ન નિકળે તે માટે પોલીસ બંદોબસ્ત મુકવા સાથે પ્રમુખ અને સેક્રેટરી પાસે પણ દંડ વસુલવાની કામગીરી શરૃ કરી છે.લોકો રસ્તા પર કે દુકાનોમાં માસ્ક વિના હોય તો પાલિકા કર્મચારીઓ તેમની પાસે એક એક હજાર રૃપિયાનો દંડ વસુલે છે.જોકે, કોવિડની ગાઈડ લાઈનના અમલમાં પાલિકા તંત્રના બેવડા ધોરણ ફરી એક વાર બહાર આવ્યા છે.સુરત મ્યુનિ.તંત્ર રોજ ૨૫૦થી ૩૦૦ માસ્ક વિનાના લોકો પાસે અઢીથી ત્રણ લાખ રૃપિયાનો દંડ વસુલ કરી રહી છે.સામાન્ય માણસ પાસે માસ્ક ન હોય તો વાઘ બનીને પાલિકા કર્મચારીઓ દંડ વસુલ કરે છે પરંતુ મ્યુનિ.ની કચેરીમાં જ ભાજપના કેટલાક કોર્પોરેટરો અને સમર્થકોએ માસ્ક પહેર્યા ન હતા અને સોશ્યલ મિડિયામાં ફોટા પોસ્ટ કરવા છતાં પાલિકા તંત્ર તેમની સામે વામણું બની રહ્યું છે.
આજે મ્યુનિ.ની વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોની વિધિવત વરણી કરવામા આવી હતી જેમાં મોટા ભાગના કોર્પોરેટરો અને સમર્થકોએ માસ્ક પહેર્યા ન હતા.પરંતુ ભાજપના કેટલાક કોર્પોરેટરો અને સમર્થકો માસ્ક વિનાના નજરે પડયા હતા.ત્રણ દિવસ પહેલા મ્યુનિ. કચેરીમાં માસ્ક યોગ્ય રીતે પહેર્યું ન હોય તેવા આરોગ્ય વિભાગના કર્મચારી પાસે એક એક હજાર રૃપિયાનો દંડ વસુલાયો હતો.પરંતુ મ્યુનિ.ની કચેરીમાં જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરાયો હોવા છતાં પાલિકાના અધિકારીઓ ચૂપ થઈ ગયાં છે.સામાન્ય લોકો પાસે વાઘ બનીને દંડ વસુલ કરતું પાલિકા તંત્ર ભાજપના કોર્પોરેટરો કે સમર્થકો નિયમોનો ભંગ કરે તો તેમની વગ હોવાથી તેમની પાસે દંડ વસુલ કરી શકતી નથી તે વધુ એક વખત સાબિત થઈ ગયું છે.


