અમદાવાદ, બુધવાર, 4 મે, 2022 : શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ૫૦ થી વધુ ઝૂંપડા સાથે કુલ ૬૫ બાંધકામ તોડી પડાયા હતા.ટી.પી.રસ્તો ખુલ્લો થવાથી ૧૬૦૦ ડાયાની ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરી શકાશે.જેનો લાભ સાત લાખ લોકોને મળી શકશે.ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-૪૧અને ટી.પી.સ્કીમ નંબર-૪૨ની હદમાંથી પસાર થતા ૩૦ મીટરના રસ્તાની કપાતમાં આવતા પચાસ જેટલા ઝૂંપડા નજીકમાં જ પ્લોટની ફાળવણી કરી જયાં સુધી ફાળવવામાં આવેલા પ્લોટમાં આવાસ ના બને ત્યાં સુધી મ્યુનિ.એ બનાવેલા આવાસમાં રહેવા માટેની સગવડ કરી આપી તોડી પાડયા હતા.ઉપરાંત બાર પાકા મકાન તથા ત્રણ કોમર્શિયલ યુનિટ તોડી પડાયા હતા.એસ્ટેટ વિભાગ દ્વારા ૩૦ મીટર પહોળાઈ અને ૨૦૦ મીટર લંબાઈનો ટી.પી.રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે.ટી.પી.રસ્તો ખુલ્લો થવાથી ૧૬૦૦ એમ.એમ.ડાયાની ડ્રેનેજલાઈન નાંખી શકાશે.ડ્રેનેજ લાઈન નાંખવાથી જગતપુર,ત્રાગડ અને ગોદરેજ ગાર્ડન સિટી સહિતના ત્રીસ કીલોમીટરના વિસ્તારમાં રહેતા સાત લાખથી વધુ લોકોને તેનો લાભ મળશે.સાયન્સ સિટી વિસ્તારને એસ.જી.હાઈવેને સમાંતર વધુ એક રસ્તો અવરજવર માટે ઉપલબ્ધ થશે.