માંડવી : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં રતનીયા ગામની સીમમાંથી પસાર થઈ રહેલ યુવાનની બાઇકને એક કારના ચાલકે અડફેટે લેતા યુવાનનું મોત નીપજયું હતું.વ્યારા ખાતે રહેતો યુવાન બાઇક ઉપર સવાર થઈ માંડવી ખાતે તેની સાસરીમાં જઈ રહ્યો હતો તે સમયે કાર ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજતા યુવાનના પિતાએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા ખાતે વેગી ફળિયામાં રહેતા બેજુભાઈ ઉર્ફે બીરજુભાઈ પોપટભાઈ દંતાણી નાઓ રેડિમેડ કાપડની છૂટક ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ સાંજના સમયે તેમનો પુત્ર સુનિલ દંતાણી મોટરસાઇકલ નંબર જીજે-26-એસી-0871 ઉપર સવાર થઈ વ્યારાથી માંડવી ખાતે તેની સાસરીમાં જવા માટે નીકળ્યો હતો.અને તે માંડવી તાલુકાનાં રતનીયા ગામની સીમમાં રતનીયાથી ઘાટા જતાં માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પૂર ઝડપે હંકારી આવેલ એક કાર નંબર જીજે-26-એન-7273ના ચાલકે સુનિલને બાઇકએ અડફેટમાં લીધી હતી.સર્જાયેલા અકસ્માતમાં સુનિલને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પલસાણા નજીક પહોંચતા જ તેનું મોત નીપજયું હતું.બનાવ અંગે મૃતક યુવાનના પિતાએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


