મનિલા, તા.૨૭ : ભારતની ઓલિમ્પિક મેડાલીસ્ટ બેડમિંટન સ્ટાર્સ પી.વી. સિંધુ અને સાયના નેહવાલની સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડાલીસ્ટ કિદામ્બી શ્રીકાંતે પોતપોતાની મેચીસ જીતી લઈને બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો.જોકે ઈન ફોર્મ યુવા ખેલાડી લક્ષ્ય સેન પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર ફેંકાયો હતો.
બે વખત ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલી પી.વી. સિંધુએ પ્રથમ મેચમાં તાઈપેઈની પિયા યુ પોને ત્રણ ગેમના મુકાબલામાં ૧૮-૨૧, ૨૭-૨૫, ૨૧-૯થી હરાવીને આગેકૂચ કરી હતી. હાઈવોલ્ટેજ મેચ એક કલાક અને ૧૭ મિનિટ સુધી ચાલી હતી.સિંધુ હવે સિંગાપોરની યુઈ યાન જાસ્લીન સામે ટકરાશેે.ઓલિમ્પિકમાં ભારતને સૌપ્રથમ બેડમિંટનનો મેડલ અપાવનારી સાયના નેહવાલે પણ ત્રણ ગેમના સંઘર્ષ બાદ સાઉથ કોરિયાની સિમ યુજીનને ૨૧-૧૫, ૧૭-૨૧, ૨૧-૧૩થી પરાજીત કરીને આગેકૂચ કરી હતી. સાયના હવે ચીનની ઝી યી-વાંગ સામે ટકરાશે.જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનારો ભારતનો કિદામ્બી શ્રીકાંત મલેશિયન હરિફ ત્ઝે યોંગ એનગ સામે ૨૦-૨૨, ૨૧-૧૫થી વિજેતા બન્યો હતો.હવે તે ચીની ક્વોલિફાયર વાંગ હોંગ યાંગ સામે ટકરાશે.વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને સનસનાટી મચાવનારો લક્ષ્ય સેન ચીનના બિનક્રમાંકિત ખેલાડી લી શિ ફેંગ સામે ૨૧-૧૨, ૧૦-૨૧, ૧૯-૨૧થી હારી ગયો હતો. વર્લ્ડ રેન્કિંગમાં ૧૯મો ક્રમાંક ધરાવતા સાઈ પ્રણિતને પણ ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે ૧૭-૨૧, ૧૩-૨૧થી પરાજય થયો હતો.ભારતની મહિલા ખેલાડી માલવિકા બાંસોદ સિંગાપોરની યેઓ જીયા મિન સામે ૯-૨૧, ૨૧-૧૭, ૨૬-૨૪થી અને આકર્ષી કશ્યપ જાપાનની ટોપ સીડ યામાગુચી સામે ૧૫-૨૧, ૯-૨૧થી પરાજીત થઈ હતી.
સિંધુ, સાયના અને શ્રીકાંતની આગેકૂચ, લક્ષ્ય સેન પહેલી જ મેચ હારતા બહાર

Leave a Comment