– ભારતનો સાચો દુશ્મન ચીન છે,પાકિસ્તાન રાજકીય દુશ્મન,જેનો ઉપયોગ ભાજપ મત માટે કરે છે : અખિલેશ
અમૃતસર : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે દાવો કર્યો હતો કે મને પાકિસ્તાનના વડાપ્રધાન તરફથી મને એવો સંદેશો આવ્યો હતો કે હું નવજોતસિંહ સિદ્ધુને ફરી કેબિનેટમંત્રી બનાવું,કેમ કે સિદ્ધુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના જુના મિત્ર છે. કેપ્ટન અમરિંદરસિંહે કોંગ્રેસ છોડી દીધી છે અને પોતાનો પક્ષ સ્થાપ્યો છે.
પંજાબમાં આગામી મહિને ચૂંટણી છે ત્યારે અમરિંદર અને ભાજપ દ્વારા ગઠબંધન કરાયું છે.પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંહના પક્ષ પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને પણ સમજૂતી થઇ ગઇ છે.
જે મુજબ ભાજપ પંજાબમાં 65 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે.જ્યારે તેના સાથી પક્ષો પંજાબ લોક કોંગ્રેસને 37 અને એસએડી (સંયુક્ત)ને 17 બેઠકો ફાળવવામાં આવી છે.આ માહિતી ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા આપવામાં આવી હતી.
આ દરમિયાન જ કેપ્ટન અમરિંદરસિંહે પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ પર પાકિસ્તાન સાથે ભળેલા હોવાનો આરોપ લગાવ્યો હતો.કેપ્ટને દાવો કર્યો હતો કે મને પાકિસ્તાનના વડાપ્રધાન તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે હું તે સમયે પંજાબ સરકારમાં નવજોતસિંહ સિદ્ધુને મંત્રી પદ ફરી આપું.
મને આવું એટલા માટે પણ કહેવામાં આવ્યું હતું કેમ કે સિદ્ધુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ખાસ મિત્ર છે.બીજી તરફ પાકિસ્તાને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવને તેમની પાકિસ્તાન અંગેની ટિપ્પણી બદલ ઝાટક્યા હતા.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે અખિલેશે જે નિવેદન કર્યું તેના પરથી પાકિસ્તાન પ્રત્યે તેઓ કેટલો પ્રેમ ધરાવે છે તે સાબિત થાય છે.તેઓએ દેશ સમક્ષ માફી માગવી જોઇએ.
અખિલેશ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મહ અલી જિન્નાને પણ લઇ આવ્યા છે.નોંધનીય છે કે અખિલેશ યાદવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારતનો સાચો દુશ્મન ચીન છે જ્યારે પાકિસ્તાન રાજકીય દુશ્મન છે.જેનો ઉપયોગ ભાજપ મતના રાજકારણ માટે કરતુ આવ્યું છે.
દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂૂતોને ચેતવણી આપી હતી કે તેમને રાજકીય પક્ષો મત મેળવવા માટે હિન્દૂ અને મુસ્લિમોમાં વહેચી શકે છે માટે આ પ્રકારના પ્રયાસો કરનારા નેતાઓથી ચેતીને રહેવું.
ટિકૈતે કહ્યંુ હતું કે આગામી દિવસોમાં નેતાઓ હિન્દૂ,મુસ્લિમ અને પાક.ના સ્થાપક મોહમ્મલ અલી જીન્નાને લઇને આવશે.આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ આ પ્રકારના ધર્મના નામે ભાગલા પાડતા નેતાઓથી દુર રહેવું જોઇએ અને તટસ્થ થઇને ખેડૂતોના મુદ્દે જ મત આપવો જોઇએ.
સપાની 159 ઉમેદવારોની યાદી જાહેર આઝમ ખાન અને તેમના પુત્ર ટિકિટ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસ બાદ હવે સમાજવાદી પાર્ટીએ પણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.સપાની 159 ઉમેદવારોની યાદીમાં સપા વડા અખિલેશ યાદવનું નામ સૌથી પહેલા છે.અખિલેશ કરહલ બેઠક પરથી ચૂંટણી લડશે.જોકે યાદીમાં ભાજપમાંથી સપામાં આવેલા સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રનું નામ નથી.
રામપુર બેઠક પર સપાએ સાંસદ આઝમ ખાનને ટિકિટ આપી છે.જ્યારે સ્વાર બેઠક પરથી આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને પણ સપાએ ટિકિટ આપી છે.જ્યારે કૈનારા બેઠક પરથી વિવાદિત નાહિદ હસનને મેદાનમાં ઉતાર્યા છે.તેવી જ રીતે ચરથાવલ બેઠક પરથી પંકજ મલિક,ઉંચાહારથી મનોજ પાંડેને ટિકિટ અપાઇ છે.