ભાવનગર : સિહોર પંથકમાં ગત નવેમ્બર-ડિસેમ્બર માસમાં બાળલગ્નના બે કિસ્સા સામે આવ્યા હતા.જે બાબતે થયેલી અરજી અને બાદમાં કોર્ટમાં ફરિયાદના આધારે ઈન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારીએ અલગ-અલગ બે પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં એક ફરિયાદમાં બન્ને પક્ષના વેવાઈ અને બીજામાં બન્ને પક્ષના વેવાઈ ઉપરાંત સમૂહલગ્ન કરાવનાર લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિહોર તાલુકાના ભડલી ગામે ગત તા.૧૧-૧૨ના રોજ સગીરવયના દિકરા-દીકરીના બાળલગ્ન કરાવવામાં આવ્યા હોવાની એક ગુપ્ત અરજી ભાવનગર સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં આવતા તે સમયના ઈન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષીએ ગત તા.૧૩-૧૨ના રોજ દોડી જઈ નિવેદન લઈ જન્મ તારીખ અંગેની ખરાઈ કર્યા બાદ સિહોર પોલીસમાં ટપાલ મારફતે જાણ કરી હતી.ત્યારબાદ આ બાબતે ગત તા.૮-૩ના રોજ સિહોર કોર્ટમાં લેખિતમાં ફરિયાદ દાખલ કરવા અરજી અપાઈ હતી.જેના આધારે આજે રવિવારે ઈન્ચાર્જ સુરક્ષા અધિકારી મનજીભાઈ રવજીભાઈ જાંબુચા (ઉ.વ.૪૩, રહે, પ્લોટ નં.૫૧, ફુલસર પ્રાથમિક શાળાની બાજુમાં, ભાવનગર)એ સગીરાના પિતા, સાસુ-સસરા વિનુભાઈ પાંચાભાઈ પરમાર, રેખાબેન ગોરધનભાઈ વાળા અને ગોરધન ગોપાભાઈ વાળા (રહે, બન્ને ધુ્રપકા, તા.સિહોર) સામે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ત્રણેય સામે બાળલગ્ન પ્રતિબંધ કાયદાની કલમ ૧૦, ૧૧ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાળગ્નનો બીજો કિસ્સો ગત તા.૧૪-૧૧-૨૦૨૧ના રોજ બન્યો હતો. જેમાં સિહોર-સોનગઢ રોડ, સરદારનગર, રેલવે ક્રોસિંગ પાસે, લેઉવા પટેલ સમાજની વાડીમાં આયોજીત સમૂહલગ્નમાં એક દીકરીના બાળલગ્ન કરાવવામાં આવ્યા હોવા અંગે ગત તા.૧૭-૧ના રોજ એક વ્યક્તિએ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે પૂરાવા સાથે અરજી આપી હતી. જેથી તપાસ-નિવેદન લેવાયા બાદ પોલીસને જાણ કરાઈ હતી અને તા.૮-૩ના રોજ સિહોર કોર્ટમાં અરજી અપાઈ હતી.જેના આધારે આજે રવિવારે ઈન્ચાર્જ સમાજ સુરક્ષા અધિકારી મનજીભાઈ જાંબુચાએ બન્ને પક્ષના વેવાઈ બહાદુર લલ્લુભાઈ રાઠોડ, અંબાબેન બહાદુરભાઈ રાઠોડ (રહે, બેકડી, તા.સિહોર), ધરમશી ગોપાભાઈ લાઠિયા, મમતાબેન ધરમશીભાઈ લાઠિયા અને મિલન ધરમશીભાઈ લાઠિયા (રહે, ત્રણેય ગુંદાળા) તેમજ સમૂહલગ્નનું આયોજન કરનાર લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે બાળલગ્ન પ્રતિબંધ કાયદાની કલમ ૯, ૧૦, ૧૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


