અમદાવાદ,તા.25 માર્ચ 2022, શુક્રવાર : સીએનજી ગેસના ભાવમાં વધુ એક વખત કિલો ગેસ ઉપર ૧.૫૦ રૂપિયાનો ભાવ વધારો આવી જતા અમદાવાદમાં કિલો ગેસનો ભાવ ૭૪.૫૯ રૂપિયા થઇ ગયો છે. જેને લઇને અમદાવાદમાં રિક્ષા ચલાવતા ૨ લાખ લોકોની માઠી દશા બેઠી છે.રિક્ષા ભાડા વધતા નથી,ગેસના ભાવ ઘટાડવાને બદલે વધતા જઇ રહ્યા છે.છેલ્લા એક વર્ષમાં કિલો ગેસ ઉપર ૨૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો ઝિંકી દેવાયો છે.જેના વિરોધમાં આજે મેમનગર ફાયર સ્ટેશન ખાતે રિક્ષા ચાલકોએ વિરોધ પ્રદશન યોજીને આક્રોશ ઠાલવ્યો હતો.
પૂર્વ અમદાવાદમાં મોટાભાગનો વર્ગ રિક્ષા પર રોજી રોટી મેળવી રહ્યો છે.આ વર્ગ માટે હવે રિક્ષા પર જીવન ગુજરાન ચલાવવું કઠણ બની રહ્યું છે.બચતની વાત દુર રહી પરિવારને બે ટંકનું ભોજન મળી રહેશે કે કેમ તે પણ ચિંતાનો વિષય બની ગયો છે.શટલ રિક્ષાના ભાડ વધતા નથી,સ્પેશિયલ રિક્ષા કરવાનું લોકો ટાળી રહ્યા છે.
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા સીએનજીના ભાવ વધારાના વિરોધમાં છેલ્લા બે દિવસથી શહેરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.આ અંગે પ્રમુખ વિજય મકવાણાના જણાવ્યા મુજબ ગેસના ભાવ વધારાએ સીએનજીનો વપરાશ કરનારાઓની આર્થિક કમર તોડી નાંખી છે.
વારંવારના ભાવ વધારાએ રિક્ષા ચાલકો માટે રોજી રોટી બચાવવાનો પ્રશ્ન સર્જાયો છે.ભાડા વધારા કરી શકાતા નથી,વધેલા ભાડા પણ લોકો હવે આપે તેમ નથી,એક રિક્ષા ચાલક દિવસનો ૪ કિલો ગેસ વાપરતો હોય તો તેને ખર્ચમાં રોજના ૮૦ રૂપિયાનો માર પડી રહ્યો છે.રિક્ષાના હપ્તા ભરવા,રિક્ષા ભાડુ ચૂકવવું,પોલીસની હેરાનગતિથી બચવા વહેવાર કરવો કે પછી દંડ મોંઘાદાટ દંડ ભર્યા કરવા.આ બધામાં પરિવારને બે ટંકની રોટલી મળી રહે તેટલી પણ જો કમાણી ન થઇ શકતી હોય તો પછી જીવવું કઇ રીતે.
સરકારે રિક્ષા ચાલકોની મજબૂરી સમજીને વધતા જતા ભાવ વધારા સામે રિક્ષા ચાલકોને રક્ષણ મળી રહે તે માટે તેઓ માટે સબસિડી જાહેર કરવી જોઇએ, સરકારે વેરા ઘટાડીને ભાવ અંકુશમાં લેવા જોઇએ. રિક્ષા ચાલકો માટે રોજી રોટીનો પ્રશ્ન છે.આ વ્યવસાયમાં મોટા ભાગે અભણ લોકો છે.ગરીબ અને સાવ દયનિય સ્થિતિમાં દેવામાં હોય તેવા લોકો મજબૂરીમાં રિક્ષા હાંકીને જીવન ગુજારે છે ત્યારે સરકારે ગેસના ભાવ ઘટાડવા જોઇએ તેવી રિક્ષા ચાલકોની માંગણી છે.
આ અંગે રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર માસમાં જ ૬ વખત ભાવ વધારો આવ્યો છે.ગત તા. ૫-૧૨-૨૧માં ૦.૭૫ પૈસા,૧૯-૧૨-૨૧માં ૧.૮૫ રૂપિયા,૧-૧-૨૨માં ૨.૫૦ રૂપિયા,૧-૩-૨૨માં ૧ રૂપિયો,તા.૧૦-૩-૨૨માં ૨ રૂપિયા અને ગત તા.૨૪-૩-૨૨માં ૧.૫૦ રૂપિયાનો ભાવ કિલો દીઠ ગેસમાં વધી ગયો છે.
રિક્ષા ચાલકોના યુનિયને હવે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની નીતિ હાથ ધરી છે.આગામી દિવસોમાં દરેક રિક્ષાની પાછળ ભાવ વધારાને લગતા અને સરકારની ટીકા કરતા પોસ્ટરો લગાવીને અનોખી રીતે વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે.કે જેથી જનતાને પણ ખબર પડે કે સરકાર ભાવ વધારાના મૃદ્દે કેમ ચુપ છે.


