(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮ : સીબીઆઇએ શુક્રવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)ના પૂર્વ સીઇઓ રામ કૃષ્ણાની પૂછપરછ કરી હતી તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે એનએસઇમાં કો-લોકેશન સુવિધાના કથિત દુરુપયોગ અંગે ચાલી રહેલી તપાસમાં નવા તથ્યો સપાટી પર આવ્યા પછી આ પૂછપરછ કરવામાં આવી હતી.
સીબીઆઇએ રામકૃષ્ણા,અન્ય પૂર્વ સીઇઓ રવિ નારાયણ અને પૂર્વ ગુ્રપ ઓપરેટિંગ અધિકારી આનંદ સુબ્રમણ્યમ વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરી છે જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે.ઉલ્લેખનીય છે કે ગઇકાલે આવકવેરા વિભાગે મુંબઇમાં કર ચોરીની તપાસના ભાગરૃપે એનએસઇના પૂર્વ એમડી અને સીઇઓ ચિત્રા રામકૃષ્ણા અને ગુ્રપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમના પરિસરોમાં દરોડા પાડયા હતા.
કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હી સ્થિત ઓપીજી સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને પ્રમોટર સંજય ગુપ્તા અને અન્ય સામે પણ કેસ દાખલ કર્યો છે.તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે સ્ટોક માર્કેટમાં લાભ મેળવવા માટે એનએસઇની કો લોકેશન ફેસિલિટીનો દુરુપયોેગ કર્યો હતો.
એજન્સી સિક્યુરિટીઢ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ), મુંબઇના અજ્ઞાાત અધિકારીઓની પણ તપાસ કરી રહી છે.
સીબીઆઇએ એફઆઇઆરમાં આરોપ મૂક્યો છે કે આ પ્રાઇવેટ કંપનીના માલિકે એનએસઇના અજણ્યા અધિકારીઓ સાથે કાવતરુ રચીને એનએસઇના સર્વર આર્કિટેચરને દુરુપયોગ કર્યો હતો.
એજન્સીએ વધુમાં આરોપ મૂક્યો છે કે એનએસઇ, મુંબઇના અજાણ્યા અધિકારીઓએ આ કંપનીને ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન કો લોકેશન ફેસિલિટીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.જેના કારણે આ કંપનીને ગુપ્ત માહિતી મળી જતી હતી.
રામકૃષ્ણા એપ્રિલ,૨૦૧૩થી ડિસેમ્બર,૨૦૧૬ સુધી એનેએસઇના એમડી અને સીઇઓ હતાં. નારાયણ એપ્રિલ,૧૯૯૪થી માર્ચ,૨૦૧૩ સુધી એનએસઇના એમડી અને સીઇઓ હતાં.