ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સૌરાષ્ટ્રના પ્રવાસ પર તાળીઓ પડવાની જગ્યાએ ટીકા થઈ રહી છે.સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને ગાઈડલાઈન્સનું પાલન કરવા બદલ વિપક્ષે અનેક પ્રશ્નો ઊઠાવ્યા છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટના કન્વીનર ડૉ. જીજ્ઞેશ જોષીએ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને લેખિત અરજી કરી છે.
આ અરજીમાં તેમણે કહ્યું હતું કે, સી.આર. પાટીલ,ગોરધન ઝડફિયા સહિત 17 લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.કારણ કે,કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી આત્મિય કોલેજ ખાતે એક હજારથી વધારે લોકોની મિટિંગ યોજાઈ હતી.તેમણે આ અરજી સાથે રેલીના ફોટા સહિત બીજા કેટલાક દસ્તાવેજ પણ રજૂ કર્યા છે.જોકે,સોશિયલ મીડિયામાં પણ સી.આર. પાટીલની આ મુલાકાતની જોરશોરથી ટીકા થઈ હતી.ઘણા લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.રાજકોટમાં જ્યારે પાટીલ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.ત્યારે ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ વચ્ચે બોલતા પાટીલ ગુસ્સે થઈ ગયા હતા.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.રાજુ ધ્રુવને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં એવી ટકોર કરી હતી કે, હું અહીં બેઠો છું ને જવાબ આપવા માટે. તમારે બોલવાની જરૂર નથી.એમની આવી તીખી પ્રતિક્રિયાની અનેક રીતે ટીકા થઈ રહી છે.પ્રશ્ન પાટીલને પૂછવામાં આવ્યો હતો અને રાજુ ધ્રુવ પત્રકારને જવાબ આપવા માટે વચ્ચે કુદી પડ્યા હતા. આ સિવાય તેઓ અમિત શાહ અને વડાપ્રધાન મોદીના સૌથી નજીકના વ્યક્ત ગણાય છે એટલે તેમણે આવતાની સાથે જ માત્ર સંગઠન ઉપર જ નહીં પણ રાજકીય રીતે સરકાર પર કબજો મેળવ્યો છે એવું ચર્ચાય છે.સચિવાલયમાંથી નહીં પણ કમલમમાંથતી વહીવટ થશે એમનું આ નિવેદન પણ સતત ચર્ચાતું રહ્યું છે.
રાજ્ય સરકાર અને સંગઠન વચ્ચેની ખીણ ધીમે ધીમે મોટી થઈ રહી છે.દેખીતી રીતે કોઈ જુથવાદ ન હોવાની વાત નેતાઓ કરે છે પણ જુથવાદની બીજી તરફનું ચિત્ર સમયાંતરે ઉપસી રહ્યું છે.એવું પણ ફરમાન જાહેર કર્યું છે કે,સોમવાર અને મંગળવારે એમ બે દિવસ કમલમાં બેસીને મંત્રીઓએ કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભળવાના રહેશે.જે કામ કરશે એમને જ પ્રાધાન્ય આપવામાં આવશે.