– રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, ભરત સોલંકી મેદાનમાં
– ભાજપની માફક કોંગ્રેસે પણ ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ સભ્યોને તોડવાની કવાયત શરૂ કરી
શક્તિસિંહ કે ભરતસિંહ વચ્ચેની પસંદગી અંગેના તર્ક વિતર્કો પર પડદો પડયો
ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોન્ગ્રેસે પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મોડી રાત્રે કોન્ગ્રેસના મોવડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં રહેલા પણ ભાજપની અવગણનાનો સામનો કરી રહેલા શંકરસિંહ વાઘેલાએ કોન્ગ્રેસને મદદ કરવાનો નિર્ણય કર્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો કોન્ગ્રેસના મોભીઓએ ફાઈનલ કર્યું છે.
જયપુરથી બી.કે. હરિપ્રસાદ, રજની પાટિલ અને ગુજરાત કોન્ગ્રેસના પાંચ નેતાએ દિલ્હી જવા રવાના થયા ત્યારે ભરત સિંહ સોલંકી કે શક્તિસિંહ ગોહિલ બેમાંથી કોને પસંદ કરશે તે અંગે કશ્મકશ ચાલુ હતી. પરંતુ જયપુરની બેઠક બાદ ચર્ચા કરીને કોન્ગ્રેસે પણ ભાજપની માફક ભાજપથી નારાજ સભ્યને તોડવાનો વ્યૂહ રચ્યો હતો.
આ વ્યૂહનો નિર્દેશ ગુજરાત કોન્ગ્રેેસના પ્રમુખ અમિત ચાવડાએ નિર્દેશ પણ આપ્યો હતો. આ નિર્દેશ મળ્યા પછી રાત્રે દસથી સાડાદસ વાગ્યાના અરસામાં કોન્ગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા પરંતુ અપેક્ષા ન સંતોષાતા નારાજ થયેલા સી.કે.રાઉલજીને શંકરસિંહ વાઘેલાના માધ્યમથી તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયાસને સફળતા મળતી હોવાનો નિર્દેશ મળતા કોન્ગ્રેસના મોવડી મંડળનો હોંસલો વધ્યો હતો અને તેમણે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.
આ બંને ઉમેદવારોએ તેમના ફોર્મ તો આ અગાઉ જ ભરી દીધા હતા. પરંતુ ભાજપે કોન્ગ્રેસના પાંચ સભ્ય તોડી દેતા કોન્ગ્રેસના સભ્યોનું સંખ્યાબળ 73થી ઘટીને 68 થઈ જતાં તેમને જીતવા માટે 71 મત મળવાની સંભાવના ઓછી થઈ ગઈ હતી. પરિણામે વધુ એક હાર સહન કરવાને બદલ કોન્ગ્રેસે માત્ર એક જ ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય કર્યો હતો.
આ નિર્ણયને પરિણામે શક્તિસિંહ અને ભરતસિંહ બેમાંથી કોને પસંદ કરવા તેનો સવાલ ઊભો થયો હતો. ભરતસિંહ માટે તેમની રાજકીય કારકીદ ચાલુ રહે તે માટે આ પસંદગીને ફાઈનલ કરાવવી જરૂરી હતી. તેમને જ ચૂંટણી લડવા માટેની તક ન મળે તો તેઓ તેમના સમર્થકોને શું ટિકીટ અપાવી શકશે તેવી વાત વહેતી થાય તો તેમના સમર્થકો તેને છોડીને ચાલ્યા જાય તેવી દહેશત હતી.
બીજી તરફ શક્તિસિંહે છેલ્લા બેથી ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત બહાર રહીને પક્ષ માટે કરેલી સરાહનીય કામગીરીને પરિણામે તેમને રાજ્યસભામાં લઈ જવા કોન્ગ્રેસનું મોવડી મંડળ ઉત્સુક હતું. આ સંજોગોમાં મોવડી મંડળની પહેલી પસંદગી શક્તિસિંહ ગોહિલ જ હતા. પરંતુ ભરત સિંહનો આગ્રહ વધતા મૂંઝવણ ઊભી થઈ હતી. તેથી જયપુરમાં ગુજરાતના 68 ધારાસભ્યને બોલાવીને તેમની સેન્સ લીધી હતી.ત્યારબાદ કોન્ગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલાઓને તોડવાની વાત આવી હતી. ત્યારબાદ બંનેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.