અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ફોર્મ સી રિન્યુઅલ મુદ્દે આંદોલન ચલાવી રહેલા અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને(આહના)વિરોધ વ્યક્ત કરવા આગામી ૨૬મીમેના રોજ સ્કૂટર,મોટર સાઈકલ-કાર રેલી યોજીને વિરોધ વ્યક્ત કરવાનું એલાન કર્યું છે.આશ્રમ રોડ પરથી બપોરે ૨.૩૦ કલાકે શરૂ થનારી આ રેલી દાણાપીઠ સ્થિત મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય કચેરીએ જઈ ધરણાં-પ્રદર્શન યોજીને મ્યુન.કમિશનરને આવેદન સુપરત કરશે.‘આહના’એ જણાવ્યું છે કે, ફોર્મ ‘સી’ રિન્યુઅલ ન થવાના મુદ્દે અમદાવાદની 400થી વધુ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ અન્યાયના વિરોધમાં ૨૬ મે બપોરે૨.૩૦વાગ્યે વલ્લભ સદનથી સ્કૂટર,મોટરસાઇકલ-કાર સાથે ટાઉન હૉલ,એલિસબ્રિજ,ખમાસા થઈને મ્યુનિ.કમિશનરને માગણીઓનું આવેદન પત્ર આપશે.આ રેલીમાં ખાનગી હોસ્પિટલોના ડૉક્ટરો મોટી સંખ્યામાં જોડાશે.તેમણે જણાવ્યું છે કે,આ અગાઉ સત્તાધીશોને અનેકવાર આ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા છતાં હજુ સુધી આ સળગતી સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ઓક્ટોબર 2021થી,અમ્યુકો દ્વારા આ અધિનિયમ હેઠળ નોંધણી માટે બીયુ પરવાનગીની માગ કરવાની શરૂઆત કરવામાં આવી હતી,જેના કારણે વર્તમાન પરિસ્થિતિ ઊભી થઈ છે.ઓક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું,જેને સામાન્ય રીતે ફોર્મ‘સી’તરીકે ઓળખવામાં આવે છે.વધુમાં,તમામ શહેરોમાંથી માત્ર અમદાવાદ કોર્પોરેશન જ રજિસ્ટ્રેશન માટે બીયુની પરવાનગીની માગણી કરે છે.આશ્ચર્યની બાબત એ છે કે,રેસ્ટોરાં જેવી અન્ય સેવાઓ,ધંધા તથા અન્ય વ્યવસાયો માટે અલગ નોંધણીની કે બીયુ સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની મંજૂરી અપાય છે ત્યારે આ પ્રકારની જરૂરિયાત માત્ર હેલ્થકેર સેવાઓ માટે જ કેમ ફરજિયાત બનાવવામાં આવી છે?આ પ્રકારના અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે જેમાં બીયુ પરવાનગીનો અભાવ છે.


