– મહાઠગનું પ્રકરણ ફક્ત જેકવેલીન અને નોરા પૂરતું જ સીમિત નથી
– બોલિવૂડની હીરોઇનોને એક પછી એક જાળમાં ફસાવવા માંડી હતી
નવી દિલ્હી : મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફક્ત જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહ અલી ખાનને જ તેની જાળમાં ફસાવ્યા છે તેવું નથી.તે સારા અલી ખાન,ભૂમિ પેડણેકર અને જાન્હવી કપૂરને પણ તેના સાણસામાં લીધા હતા.તેમા સારા અલી ખાનને લક્ઝરી ઘડિયાળ આપી હતી તો જાન્હવી કપૂરને ૧૮ લાખ રૂપિયા આપ્યા હતા.તેણે મે ૨૦૨૧માં સારા અલી ખાનને નિશાના પર લેવા માંડી હતી.તેણે સારાને સુરજ રેડ્ડી તરીકે મેસેજ કરીને નજીક જવાનો પ્રયત્ન કર્યો હતો,પણ તેને તરત સફળતા મળી ન હતી.
તેણે સારા અલીને કેટલીય ભેટો ઓફર કરી હતી,જેનો સારા અલીએ ઇન્કાર કર્યો હતો.પણ કેટલીય વખત એપ્રોચ કર્યા પછી સારા અલીએ ચોકોલેટ બોક્સ લેવાની વાત કબૂલી હતી.
સુકેશે સારા અલીને ચોકોલેટ બોક્સની સાથે મોંઘી લક્ઝરી ઘડિયાળ પણ ભેટ આપી હતી.સારાએ ઇડીને જણાવ્યું હતું કે તેણે સુકેશને કેટલીય વખત ભેટ માટે મના કરી હતી,પણ છેવટે તે ચોકોલેટનો ડબ્બો લેવા તૈયાર થઈ ગઈ હતી.સુકેશે તેની સાથે મિત્રતા કરવા ચોકોલેટની સાથે ફ્રેન્ક મુલર ઘડિયાળ મોકલી.ફ્રેન્ક મુલર એક લક્ઝરી બ્રાન્ડ છે,જેની કિંમત ભારતમાં લાખો રૂપિયા છે.
આ ઉપરાંત અભિનેત્રી જાન્હવી કપૂરને પણ પત્ની લીના મારિયા પૌલ દ્વારા લક્ષ્યાંક બનાવી હતી.જાન્હીને ૧૮ લાખથી વધારે રકમ ભેટ તરીકે અપાઈ હતી.આ એ જ રકમ હતી જે સુકેશે અદિતિસિંહ પાસેથી વસૂલી હતી.લીના મારિયા પોલે જાન્હવીનો નેલ આર્ટિસ્ટરી નામના એક સલૂનના માલિકના સ્વરૂપમાં સંપર્ક કર્યો હતો.તેમણે ૧૯ જુલાઈ ૨૦૨૧ના રોજ બેંગ્લુરૂમાં પોતાના સલૂનના ઉદઘાટન માટે આમંત્રણ આપ્યું.તેમણે આ માટે જાન્હવી કપૂરને ૧૮.૯૪ લાખ ચૂકવ્યા.આ રકમ ઉપરાંત તેમની ક્રિસ્ટિયન ડાયર બ્રાન્ડમું મોંઘું પર્સ પણ ભેટ આપ્યું.
તેના પછી સુકેશે બોલિવૂડની વધુ એક હીરોઇન ભૂમિ પેડણેકરને લક્ષ્યાંક બનાવી.જાન્યુઆરી ૨૦૨૧માં ન્યુઝ એક્સપ્રેસ પોસ્ટના નાયબ એચઆર હોવાનું નાટક કરતા ભૂમિનો સંપર્ક કર્યો.પિન્કીએ ભૂમિને જણાવ્યું હતું કે તેના ગુ્રપના ચેરમેન મિસ્ટર સૂરજ (સુકેશ ચંદ્રશેખર) તેમના પ્રશંસક છે અને એક મોટા પ્રોજેક્ટ અંગે તેની સાથે વાત કરવા માંગે છે.તેઓ તેને એક કાર પણ ભેટમાં આપવા માંગે છે.પછીના દિવસે સુકેશ ચંદ્રશેખરે ભૂમિનો સંપર્ક કર્યો અને પોતાને શેખર તરીકે રજૂ કર્યો તથા જણાવ્યું હતું કે મારી મિત્ર ઇરાનીએ કેટલીક યોજનાઓ અંગે અને એક કાર અંગે સંપર્ક કર્યો હશે જે હું તમને ભેટમાં આપવા માંગું છું.
મે ૨૦૨૧માં પિન્કી ઇરાનીએ ભૂમિને સંદેશો મોકલ્યો કે મિસ્ટર સૂરજ અબજપતિ છે અને તેમને પોતાના મિત્રોને ભેટ આપવી પસંદ છે.તે તેમને કાર ભેટમાં આપવા માંગે છે.તે જ દિવસે સુકેશે ફરીથી ભૂમિનો સંપર્ક કર્યો અને પોતાને એનઇ ગુ્રપના સૂરજ તરીકે રજૂ કર્યો. ભૂમિએ ઇડીના અધિકારીઓને જણાવ્યું કે તેને સુકેશ ચંદ્રશેખર કે તેના સહયોગી પાસેથી કોઈ ભેટ મળી નથી.

