– સુઝલોન એનર્જી વિશે ખોટા સમાચાર ફેલાતાં શેરમાં સતત અપર સર્કિટ વાગી રહી હતી. SBICAP Trusteeની ટાઇપોગ્રાફીક ભૂલનો ભોગ બનનારા રોકાણકારોને રાહત કોણ અપાવશે એ એક પ્રશ્ન છે
અમદાવાદ : ગત સપ્તાહના અંત દરમિયાન બજારમાં એવી અફવા ફેલાઇ હતી કે સુઝલોન એનર્જીને અદાણી જૂથ ટેકઓવર કરશે. તેની પાછળ સુઝલોનના શેરમાં તા. 29 ઓગસ્ટના રોજના રૂ. 8.10ના બંધ ભાવથી સુધારાનો સળવળાટ શરૂ થયો હતો.
છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સુઝલોન એનર્જીના શેરમાં 26 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.છેલ્લા એક મહિનામાં સુઝલોન એનર્જીના શેરમાં 37 ટકાનો ઉછાળો નોંધાયો હતો. સોમવારે BSE પર 20 ટકાના વધારા સાથે અપર સર્કિટ પર પહોંચ્યો હતો. ગયા સપ્તાહે સુઝલોનના શેરમાં 32 ટકાનો વધારો નોંધાયો છે.જો કે, SBICAP ટ્રસ્ટી કે જેમણે સુઝલોન એનર્જી ગ્રૂપને જંગી લોન્સ ફાળવી છે તેમણે ખુલાસો કર્યો કે, SBICAP ટ્રસ્ટીએ અજાણતાં ટાર્ગેટ કંપની તરીકે ભૂલથી સુઝલોન એનર્જીના સ્થાને અદાણી ગ્રીનના નામનો ઉલ્લેખ કર્યો હતો.જેને બજારમાં કેટલાંક વર્ગે એવી રીતની અફવામાં કન્વર્ટ કરી કે અદાણી જૂથ સુઝલોન એનર્જીનો સ્ટેક ખરીદી રહ્યું છે.વાસ્તવિક્તા એ છે કે, સુઝલોનમાં સ્ટેક અદાણી જૂથે નહીં SBICAP Trusteeએ વધાર્યો છે.
SBICAP Trusteeએ સુઝલોન એનર્જીમાં તેમનો સ્ટેક વધારીને 9.92 ટકા કર્યો છે. તે અંગે SBICAP Trustee તરફથી જે જાહેરાત કરાઇ હતી તેમાં ટાર્ગેટ કંપની તરીકે અદાણી ગ્રીનનો ઉલ્લેખ કર્યો હતો.આ એક ટાઇપોગ્રાફીક ભૂલ હતી કે કૌભાંડ તે અંગે યોગ્ય તપાસ થવી જરૂરી છે.જેના લીધે કેટલાય રોકાણકારોએ સુઝલોન એનર્જીમાં જંગી ખરીદી દર્શાવી હતી.
શેર 1900થી તૂટી એક વર્ષમાં 62 થયો હતો
2005માં લિસ્ટેડ સુઝલોન એનર્જીમાં માત્ર 3 વર્ષ જ ઝાકમઝોળ જોવા મળી હતી. 2008માં1965માં ખૂલ્યા બાદ 2300ની ઓલટાઈમ હાઈ સપાટી હતી.પરંતુ જોત જોતામાં વર્ષના અંતે 62.30 પર બંધ રહ્યો હતો.ત્યારબાદથી તેમાં ચાર ડિજિટ તો શું ત્રિપલ ડિજિટનો આંકડો જોવા મળ્યો નથી.ભૂતકાળમાં સુઝલોન એનર્જીના જંગી સંખ્યામાં શેર્સ બલ્કમાં ઊંચા ભાવે ખરીદનારાઓ હવે પોતાના ગળામાંથી ગાળિયો રોકાણકારોના ગળામાં ભેરવવાની કોશિશ કરી રહ્યા હોવાનું પણ બજારમાં ચર્ચાઇ રહ્યું છે.
હાલ 2.46 ટકા સુધારોઃ બીએસઈ ખાતે આજે શેર 11.24 વાગ્યે 2.46 ટકા સુધારા સાથે 10.83 પર ટ્રેડેડ હતો. 10.57 બંધ સામે 11.40એ ખૂલી વધી 12 થયો હતો.


