– હમદોકના કહેવા પ્રમાણે ડીલમાં તેમને પોતાની સરકાર બનાવવા અને જુલાઈ 2023 પહેલા ચૂંટણી કરાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી
નવી દિલ્હી, તા. 22 નવેમ્બર : ગત મહિને આફ્રિકી દેશ સુદાનમાં સૈન્ય તખ્તાપલટ થયો હતો અને અબ્દલ્લા હમદોકને પદભ્રષ્ટ કરીને સેનાએ પોતાના હાથમાં સત્તા લીધી હતી.ત્યારે હવે સુદાનના સૈન્ય અધિકારીઓ અને નેતાઓ વચ્ચે વડાપ્રધાન અબ્દલ્લા હમદોકને વડાપ્રધાન પદે પુનઃસ્થાપિત કરવા મામલે સહમતિ સધાઈ છે.આ કારણે નારાજ થયેલું વિપક્ષ સિક્રેટ ડીલનો આરોપ લગાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યું છે.
સેના અને સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે 25 ઓક્ટોબરના રોજ સૈન્ય તખ્તાપલટ બાદ જે સરકારી અધિકારીઓ અને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી તેમને પણ સેના અને રાજકીય દળો વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત મુક્ત કરવામાં આવશે.
સૈન્ય તખ્તાપલટ બાદ રાજધાની ખાર્તૂમના રસ્તાઓ પર સુરક્ષા દળોએ રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ટીઅર ગેસના સેલ છોડ્યા હતા.તે પ્રદર્શનકારીઓ સેનાની રાજકારણમાંથી સંપૂર્ણ વાપસીની માગણી કરી રહ્યા હતા. 25મી ઓક્ટોબરથી, જ્યારથી સેનાએ ઈમરજન્સીની ઘોષણા કરી અને નાગરિક નેતૃત્વને ભંગ કરી દીધું, તખ્તાપલટ વિરૂદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે.
અબદલ્લા હમદોકના કહેવા પ્રમાણે તેઓ હિંસા અટકાવવા માટે સમજૂતી પર સહમત થયા છે. દરેક સુદાનીનું લોહી કિંમતી છે, આવો આપણે રક્તપાત રોકીએ તથા યુવાનોની ઉર્જાને નિર્માણ અને વિકાસ કામમાં લગાવીએ.અબ્દુલ્લા હમદોક ચૂંટણી યોજાય ત્યાં સુધી સ્વતંત્ર ‘ટેક્નોક્રેટિક કેબિનેટ’ના પ્રમુખ રહેશે.જોકે એ સ્પષ્ટ નથી કે, સરકાર પાસે કેટલી શક્તિ હશે. તે હજુ પણ સૈન્યના મોનિટરીંગમાં રહેશે.
હમદોકના કહેવા પ્રમાણે ડીલમાં તેમને પોતાની સરકાર બનાવવા અને જુલાઈ 2023 પહેલા ચૂંટણી કરાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.તે રાજકીય કેદીઓની મુક્તિ માટે પણ મંજૂરી આપે છે.


