નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાના મામલામાં કોમેડિયન કુણાલ કામરાએ માફી માંગવાનો ઈનકાર કરી દીધો છે.કુણાલ કામરાએ પોતાના સોગંદનામામાં કહ્યુ છે કે,જોક્સ વાસ્તવિકતા નથી હોતા અને હું એવો દાવો કરતો પણ નથી.કામરાના વકીલે કોર્ટમાં દલીલ પણ કરી છે કે,જોક્સ માટે બચાવ કરવાની જરુર નથી અને આ દલીલ હાસ્ય કલાકારની ધારણા પર આધારીત છે.કામરાએ જે ટ્વિટ કર્યુ હતુ તેની પાછળનો ઈરાદો લોકોનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ ઓછો કરવાનો નહોતો.
સોગંદનામાં વધુમાં કહેવાયુ છે કે,જો સુપ્રીમ કોર્ટ માનતી હોય કે મેં મર્યાદાનુ ઉલ્લંઘન કર્યુ છે અને મારુ ઈન્ટરનેટ અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવે તો હું પણ મારા કાશ્મીરી મિત્રોની જેમ દર 15 ઓગસ્ટે હેપી ઈન્ડિપેન્ડસ ડેનુ પોસ્ટકાર્ડ લખીને શુભેચ્છા પાઠવીશ.લોકશાહીમાં કોઈ સંસ્થાનો ટીકા કરવાનો કોઈને અધિકારી ના હોય તેવુ માનવુ તર્કહીન છે અને લોકશાહી સાથે સુસંગત પણ નથી.
કોર્ટ એક તરફ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલાના મામલાની સુનાવણી કરે છે અને બીજી તરફ મુનવ્વર ફારુકી જેવા કોમેડિયનને જોક્સ માટે જેલમાં નાંખી દેવાય છે.કામરાએ કહ્યુ છે કે,કોર્ટના કોઈ પણ નિર્ણયનુ હસીને સન્માન કરીશ.ઉલ્લેખનીય છે કે પત્રકાર અરનબ ગોસ્વામીના જામીનના મુદ્દે કામરાએ ટ્વિટર પર સુપ્રીમ કોર્ટ અંગે ટિપ્પણીઓ કરી હતી.જેના પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા તેને કોર્ટની અવમાનના અંગે નોટિસ મોકલવામાં આવી હતી.

