– આવતીકાલથી રાબેતા મુજબ કોર્ટ કામગીરીમાં જોતરાઇ જશે
અમદાવાદ,તા.23 નવેમ્બર 2022,બુધવાર : ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ.કેરિયલની સુપ્રીમકોર્ટના કોલેજીયમ દ્વારા પટણા હાઇકોર્ટમાં બદલી કરવા અંગેની ભલામણના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પદાધિકારીઓ ગઇકાલે નવી દિલ્હી ખાતે સુપ્રીમકોર્ટના કોલેજીયમને મળ્યા હતા.જો કે, સુપ્રીમકોર્ટ જજીસ દ્વારા એસોસીએશનના પ્રતિનિધિમંડળને સ્પષ્ટ શબ્દોમંાં પહલાં ગુજરાત હાઇકોર્ટમાં પાડવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાળ સમેટી લેવા કરાયેલી કડક ટકોર બાદ આજે હાઇકોર્ટના વકીલોની હડતાળ આખરે સમેટાઇ ગઇ હતી.બીજીબાજુ, હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન દ્વારા આવતીકાલે હવે જસ્ટિસ વિપુલ એમ.પંચોલીની પણ પટણા હાઇકોર્ટમાં જે ટ્રાન્સફર કરાઇ છે,તેના વિરોધમાં ઠરાવ કરવાનું નક્કી કરાયું છે.
જસ્ટિસ નિખિલ કેરિયલની બદલીના વિરોધ બાદ હવે એસો. દ્વારા જસ્ટિસ વી.એમ.પંચોલીની ટ્રાન્સફરના વિરોધમાં આજે ઠરાવ કરાશે
જસ્ટિસ નિખિલ એસ.કેરિયલની સૂચિત બદલીના વિરોધમાં હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનનું પ્રતનિધિમંડળ ગઇકાલે બપોરે ૧-૩૦ વાગ્યે નવી દિલ્હી ખાતે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ.આર.શાહના કોલેજીયમને મળ્યુ હતુ. જો કે, સુપ્રીમકોર્ટ જજીસે એસોસીએશનના પ્રતિનિધિમંડળને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, પહેલા તમે તમારી હડતાળ સમેટી લો.પછી અમે આ મામલે યોગ્ય નિર્ણય કરીશું. સુપ્રીમકોર્ટની આ કડક ટકોરને પગલે આજે સવારે ૧૦-૩૦ વાગ્યે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોએશનની બેઠક બોલાવાઇ હતી,જેમાં આખરે હડતાળ સમેટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આવતીકાલથી હાઇકોર્ટમાં રાબેતા મુજબ કોર્ટ કામગીરીમાં જોતરાઇ જવાનો પણ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.જો કે, આજની બેઠકમાં સૌથી મહત્વનો અને નોંધનીય મુદ્દો એ હતો કે, જસ્ટિસ નિખિલ કેરિયલની પટણા હાઇકોર્ટમાં સૂચિત બદલીના વિરોધ બાદ હવે આવતીકાલે જસ્ટિસ વી.એમ.પંચોલીની પણ પટણા હાઇકોર્ટ ખાતે જ ટ્રાન્સફર કરવામાં આવી છે,તેના વિરોધમાં પણ હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન દ્વારા વિરોધદર્શક ઠરાવ પસાર કરવામાં આવનાર છે.જસ્ટિસ વી.એમ.પંચોલીની ટ્રાન્સફરને લઇેને પણ વકીલોમાં આતંરિક વિરોધના સૂર સામે આવ્યા હતા.એક જ મહિનામાં બે જજીસની પટણા હાઇકોર્ટમાં સૂચિત બદલીના નિર્ણયને લઇ હાલ તો ગુજરાત હાઇકોર્ટના વકીલઆલમમાં વાતાવરણ ગરમાયેલું છે અને ભારે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.


