– કોરોનાની મહામારીના સમયમાં સત્તાધીશોની વ્યવસ્થામાં અનેક ત્રુટિઓ હોવા છતાં રાજકીય મુદ્દા છોડી માનવતાને અગ્રીમતા આપી સુરત શહેર કોંગ્રેસે પાંચ દિવસથી ભૂખ્યા લોકોને ભોજન માટે રસોડુ ચાલુ કર્યું છે
– અશક્ત, શ્રમિક, નિરાધાર, ઘરવિહોણા રોજ સરેરાશ પાંચ હજાર લોકોને જમાડવા માટેની કામગીરીમાં શહેર પ્રમુખ બાબુ રાયકાથી માંડીને પાલિકામાં વિરોધપક્ષના નેતા પ્રફૂલ્લ તોગડિયાથી માંડીને યુવા આગેવાનોની ટીમ કામે લાગી
સુરત,
પાલિકાની આ ટર્મ સત્તાધીશોના વહીવટની ટીકા કરવામાં અને વિરોધ કરવામાં વિપક્ષ કોંગ્રેસ હાવી રહ્યો છે. કેટલીય વાર વિરોધ કરવા માટેના નુસ્ખા પણ ચોંકાવનારા રહ્યાં છે.એટલે,વિરોધ વખાણવો પડે તેવી સ્થિતિ ઘણીવાર ઉદ્દભવી છે. જોકે, હમણાં કોરોનાને લીધે બ્લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે વિરોધપક્ષ કોંગ્રેસના વિવેકને પણ વખાણવો પડે તેમ છે.કેમકે, હમણાં શહેર કોંગ્રેસે સત્તાધીશોના વિરોધને નહીં પણ આ મુશ્કેલીની ઘડીમાં જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારવા માટેનું અભિયાન હાથ ઉપર લીધું છે.
વિરોધ તો કરતા રહીશું પણ હમણાં માનવતા અમારી અગ્રમીતા છે
શહેર કોંગ્રસના પ્રમુખ બાબુ રાયકાનું કહેવું હતું કે, વિરોધ પક્ષ તરીકે અમારી ભૂમિકા સત્તાધીશોની ખામી શોધીને તેમના કાન વિંધવાનું છે.જોકે, એ સામાન્ય દિવસોનું કામ છે.હમણાં સ્થિતિ અસમાન્ય છે.આપણે ખૂબ મોટી મુશ્કેલભરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીએ.આ લોકડાઉનમાં સામાન્ય લોકો માટે જીવવાનું કપરું થઈ ગયું છે.અશક્ત, શ્રમિક, નિરાધાર, ઘરવિહોણા હોય કે રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો માટે કલ્પના નહીં કરી શકાય તેવી વિકટ સ્થિતિ છે.બે ટંકનું ખાવાનું પણ મુશ્કેલ બન્યું છે. એટલે અમારી પ્રાથમિકતા માનવતા છે.અમે આવા લોકો માટે છેલ્લા પાંચ દિવસથી અમે ખટોદરામાં રસોડું ચલાવી રહ્યાં છીએ.રોજ સરેરાશ પાંચેક હજાર લોકોને માટે જમાવાનું પહોંચાડી રહ્યાં છીએ.હજુ પણ જ્યાં સુધી લોકડાઉન ચાલશે, ત્યાં સુધી આ અમારી સેવા ચાલુ રાખીશું.અમારી સાથે કોર્પોરેટર્સ, યુવક કોંગ્રેસની ટીમ, કાર્યકરો, વિપક્ષના નેતા પ્રફૂ્લ્લ તોગડિયા પણ કામે લાગ્યા છે.
અન્ય કોંગ્રેસી આગેવાનો, કોર્પોરેટર્સે પણ રસોડા ચાલુ કર્યા
શહેર કોંગ્રેસે ખટોદરામાં મધ્યસ્થ રસોડુ ચાલુ કર્યું છે.ઉપરાંત દિનેશ કાછડિયા, પ્રફૂલ્લ તોગડિયા, દિનેશ સાવલિયા, નિલેશ કુંભાણી, મમતા સવાણી જેવા ઘણા કોંગ્રેસી કોર્પોરેટર્સ, માજી કોર્પોરેટર્સ ઉપરાંત માજી વિપક્ષના નેતા બાબુ કાપડિયા, આશિષ સેલર સહિતના અગ્રણીઓએ રાંદેર, મોરાભાગળ, ઉગત, કોસાડ, વરિયાવ,જહાંગીરપુરા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ, કઠોળ, આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટેની માનવતાભરી પ્રવૃત્તિ હાથ ધરી છે.