– 8મીએ મેગા ફ્રી ચેકઅપ કેમ્પ, 50 હજારથી વધુ લાભાર્થીઓ ભાગ લેશે : મુખ્યમંત્રી હાજર રહેશે
સુરત : સુરત ઓલપાડના ધારાસભ્ય અને પેટ્રોકેમિકલ્સ – એનર્જી સહિત એગ્રીકલ્ચરના રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ઓલપાડ તાલુકામાં ત્રણ હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની રૂપરેખા રજુ કરવામાં આવી હતી.આ દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, આગામી 8મી સપ્ટેમ્બરના રોજ તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુર્હૂતનું આયોજન કરવામાં આવશે.જેમાં સંભવતઃ પહેલી વખત કોઈ તાલુકાલક્ષી કાર્યક્રમમાં વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે જોડાશે.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
મંગળવારે સુરત ખાતે એક પત્રકાર પરિષદ દરમ્યાન ઓલપાડના ધારાસભ્ય અને રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ઓલપાડ તાલુકાની કાયાપલટ અંગેનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો.તેઓએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં સિંચાઈ,પીવાના પાણી,વિજળી સહિતના મુળભૂત પ્રાણ પ્રશ્નોનો છેલ્લા 10 વર્ષમાં નિકાલ આવ્યો છે.એક તબક્કે ઓલપાડ તાલુકામાં જ્યાં પહેલા ઉનાળુ અને ચોમાસુ ડાંગર મળીને માત્ર 3 હજાર હેક્ટરમાં વાવેતર થતું હતું તે આંકડો વધીને હવે 7 હજાર હેક્ટરને પાર પહોંચ્યો છે.સિંચાઈ માટે 460 કરોડ રૂપિયાથી પણ વધારેના વિકાસ કામો થતાં ખેડૂતો માટે હવે સિંચાઈ માટેના પાણીની સમસ્યા ભૂતકાળ બની ચુકી છે.આ સિવાય 100 કરોડ રૂપિયાના ખર્ચે ઓલપાડ અને ચોર્યાસી તાલુકા વચ્ચે તેના ખાડી પર બ્રિજનું નિર્માણ થતાં આ બન્ને તાલુકાઓ વચ્ચે ઔદ્યોગિક એકમોમાં નોકરી- ધંધા માટે જનારા વર્ગને ખાસ્સો લાભ મળવા પામ્યો છે.બીજી તરફ છેવાડાના નાગરિકોના પીવાના પાણીની સમસ્યાને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને જેના ભાગરૂપે જ અંદાજે 2500 કરોડના ખર્ચે વાસ્મો અને પાણી પુરવઠા યોજના હેઠળ આજે કાંઠા વિસ્તારના ઘરે – ઘરે દૈનિક પીવાના પાણી પહોંચી રહ્યા છે.
આગામી 25 વર્ષ સુધી ઓલપાડમાં ઔદ્યોગિક એકમો અને ખેડૂતો માટે વિજળીની આવશ્યકતાને પહોંચી વળવા માટે પણ સરકાર દ્વારા 266 કરોડના ખર્ચે 24 જેટલા સબ સ્ટેશનો તથા 11 કરોડના ખર્ચે 220 કેવીનું સબ સ્ટેશન મંજુરી કરાવવાની સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.આ સિવાય માત્ર ઓલપાડ તાલુકામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ – અલગ યોજનાઓનો 4.77 લાખ લાભાર્થીઓને નિરંતર લાભ મળી રહ્યો હોવાનું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આગામી 8મી સપ્ટેમ્બરના રોજ ઓલપાડમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુર્હૂત સાથે સાથે મેગા મેડિકલ ફ્રી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 50 હજારથી વધુ લાભાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને આ દરમ્યાન જો કોઈ લાભાર્થીને ઓપરેશન માટેની આવશ્યકતા જોવા મળશે તો તેને આ પ્રકારની સુવિધા પણ આપવામાં આવશે.આ સિવાય ઓલપાડ તાલુકાના પેજ કમિટીના કાર્ડ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે.