– વેપારીઓના ટોળાએ હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરી
સુરત : સુરત કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આજે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.કતારગામ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકો અને વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી શરૂ કરતાની સાથે જ લોકોએ કોર્પોરેશનના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.થોડીવાર માટે કોર્પોરેશનના અધિકારીઓનો ઘેરાવો વેપારીઓ દ્વારા કરી લેતાં મામલો વધુ બીચકયો બન્યો હતો.વેપારીઓએ કર્મચારીઓની સામે રોષ ઠાલવતાં હજાર-હજાર રૂપિયા જેવો દંડ શા માટે વસુલી રહ્યા છો, એવું કહ્યું હતું.અત્યારે રોજગારી પૂરતી મળતી નથી.આવકના સ્ત્રોત પણ ઓછા થઈ ગયા છે.તેવા સમયે ખોટી રીતે હેરાનગતિ કરવાનું બંધ કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓને ઉગ્રતાથી વેપારીઓના ટોળાઓએ રજૂઆત કરી હતી.
રાધે રાધે ફોનમાં પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દુકાનોમાં જઈને વેપારીઓએ વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી તેમજ વેપારી અને તેમની દુકાનમાં કામ કરતા કામદારોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી હતી. સતત વધતા ઘર્ષણો ના બનાવને કારણે કોર્પોરેશનના અધિકારીઓ માર્શલ સાથે લઈને કામગીરી શરૂ કરી હતી.સવારથી જ રાંદેર અને કતારગામ વિસ્તારની અંદર કોર્પોરેશને શરૂ કરેલી કામગીરીને લઇને લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓનું માનવું છે કે દુકાનના વેપારીઓ અને તેમને ત્યાં કામ કરતાં કામદારો જો કોરાના પોઝિટિવ હોય તો વ્યાપક પ્રમાણમાં કોરોના સંક્રમણ ફેલાવી શકવાનું જોખમ રહેલું છે.તેથી અમે ટેક્સટાઇલ માર્કેટ ડાયમંડ માર્કેટ અને હવે ત્યારબાદ વિવિધ વિસ્તારોની દુકાનોમાં જઈને ચેકિંગ હાથ ધરી રહ્યા છીએ.
વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, પોતે ટેસ્ટિંગ પણ કરાવી લે અને સાથે સાથે વેક્સિન પણ મૂકાવી લેવી જોઈએ.જેથી કરીને કોરોના સંક્રમણથી તેઓ સુરક્ષિત રહી શકે.બીજી તરફ વેપારીઓએ આક્ષેપ કર્યા છે કે,કોર્પોરેશનના અધિકારીઓ હેરાન કરી રહ્યા છે.ખોટી રીતે દંડ ફટકારે છે.વેપારી અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સતત શાબ્દિક ટપાટપી અને ઘર્ષણ જેવા બનાવો બની રહ્યા છે.


