સુરત : સુરતમાં નાનપુરા વિસ્તારની જમરૂખ ગલીમાં રહેતા કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી.ગુજસીટોકના ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.આજે તપાસ એજન્સી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. 20 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.નામદાર કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ 6 એપ્રિલ સુધીના સજ્જુ કોઠારીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સજજુ કોઠારીને તેના ઘરમાંથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો.ગુપ્ત રૂમ બનાવીને સંતાયેલા સજ્જુ કોઠારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બાતમી મળી હતી તેના આધારે તપાસ કરતાં ઘરની દીવાલો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો.જે રીતે તે ઘરમાં રહેતો હતો તેને લઈને ખૂબ જ ચર્ચા શરૂ થઈ છે.ઘણી વખત ક્રાઈમ બ્રાન્ચ સજ્જુ કોઠારીના ઘરે જઈને તેને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તે સફળ થઈ ન હતી.કારણ કે સજ્જુ ઘરમાં છુપાયેલો હતો પરંતુ પોલીસને ચકમો આપવા માટે વારંવાર સફળ થઇ રહ્યો હતો.આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે પ્રકારની બાતમી મળી હતી તે પ્રમાણે ઘરની દીવાલો તોડતા ગુપ્ત રૂમમાં એકલો સજ્જુ કોઠારી હોવાનું જણાઇ આવતાં તેની ધરપકડ કરી લીધી હતી.
તપાસ એજન્સી દ્વારા કેટલાક ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં તેણે ગુજસીટોક હેઠળ દાખલ કરેલા ગુનામાં ઉંડાણપૂર્વકની તપાસ કરવા માટે 20 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.સજ્જુ કોઠારીએ નવી કેટલી પ્રોપર્ટી ઉભી કરી છે.સજ્જુ કોઠારીને કોણે કોણે મદદગારી કરી છે તે સહિતના વિવિધ ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ બચાવ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અગાઉ ગુજસીટોક ગુનામાં જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.તેમાં તમામ પુરાવા પોલીસ દ્વારા મુકી દેવામાં આવ્યા છે.નવી કોઈ પણ ફરિયાદ 2022ની નથી.તમામ ફરિયાદ વર્ષ 2016-17-18-19ની હોવાને કારણે નવી તપાસ કરવાનો કોઈ અર્થ રહેતો નથી.તેથી રિમાન્ડ મંજૂર ન કરવા માટેની દલીલ કરવામાં આવી હતી.