સુરત : તા.8 જુન 2022,બુધવાર : દક્ષિણ ગુજરાતના ચીખલીમાં આગામી 10 જૂનના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે ત્યારે સુરતની શાંતિમાં પલીતો ચાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સુરતના તાપી નદી પરના એક બ્રિજ પર ઈસ્લામના સંસ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરનાર ભાજપના પ્રવક્તા નુપુર શર્માની ધરપકડની માગણી સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.આ પોસ્ટરની સાથે જ સુરતમાં માહોલ ગરમાયો છે તેના કારણે તંત્ર દોડતું થયું છે.
ઈસ્લામના સંસ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરવાનો વિવાદ હવે સુરતના રસ્તા પર આવી ગયો છે.શહેર ભાજપ,સરકાર અને વહીવટી તંત્ર આગામી 10 જુના રોજ ચીખલી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે સુરતના અડાજણ-કતારગામ ને જોડતાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી નુપુર શર્માની ધરપકડની માગણી સાથેના પોસ્ટર દેખાતા તંત્ર ચોંકી ઉઠ્યું છે.
ભાજપના પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મોહમ્મદ પયગંબર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી.આ ટિપ્પણી બાદ નુપૂર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.ત્યાર બાદ શરૂ થયેલો નુપુર શર્મા વિવાદ ચાલી રહ્યો છે.સોશ્યલ મિડિયામાં કેટલાક લોકો નુપુર શર્મા ની તરફેણ કરી રહ્યાં છે તો કેટલાક વિરોધ કરી રહ્યા છે.રાષ્ટ્રીય સ્તરે ચાલતો આ વિવાદ આજે અચાનક સુરતના રસ્તા પર આવી ગયો છે.આજે સવારે રાંદેરના જીલાની બ્રિજ પર નુપૂર શર્માની ધરપકડની માંગ સાથેના પોસ્ટર દેખાતા આવતા વાહન ચાલકોમાં પણ ચોંકી ગયા હતા આ પોસ્ટર કોના દ્વારા ચોંટાડવામાં આવ્યા છે અંગે કોઈ જાણ થઈ નથી.પરંતુ વડાપ્રધાનની મુલાકાત પહેલા લાગેલા પોસ્ટરના કારણે તંત્ર દોડતું થયું છે અને રાજકારણ ગરમાયું છે.