– ત્રણ જ્વેલર્સ અને બે જ્વેલરી મેન્યુફેક્ચર્સને ત્યાં કુલ 40થી વધુ સ્થળો પર તપાસ
– અધિકારીઓ-ઇન્સ્પેક્ટર તેમજ 100 જેટલા રિઝર્વ પોલીસના જવાનો કામગીરીમાં જોડાયા
– કેટલીક માહિતીઓ કમ્પ્યૂટરમાં હોવાથી તેની હાર્ડડિસ્ક પણ વિભાગે જપ્ત કરી છે
ગુજરાતના સુરત શહેરમાં આવેલ જ્વેલર્સને ત્યાં IT વિભાગની કાર્યવાહી થઇ છે.જેમાં ગઇકાલે 35થી વધુ ઠેકાણાં પર એક્સપર્ટને સાથે રાખી તપાસ કરવામાં આવી છે.તેમાં દરોડા દરમિયાન 200 કરોડના વ્યવહાર મળ્યા છે.સાથે જ રોકડમાં ખરીદ-વેચાણના વ્યવહાર મળ્યા છે.
ત્રણ જ્વેલર્સ અને બે જ્વેલરી મેન્યુફેક્ચર્સને ત્યાં કુલ 40થી વધુ સ્થળો પર તપાસ
ઇન્કમટેક્સ વિભાગની ડીઆઇ વિંગ દ્વારા શહેરના ત્રણ જ્વેલર્સ અને બે જ્વેલરી મેન્યુફેક્ચર્સને ત્યાં કુલ 40થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.સુરત અને રાજકોટમાં શરૂ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન વિભાગે મોટાપાયે હિસાબી દસ્તાવેજો અને અન્ય ચોપડાઓ પણ જપ્ત કર્યા હતા.વિભાગની કાર્યવાહી તમામ સ્થળો પર મોડી રાત સુધી જારી રહી હતી.તપાસ પછી મોટી રકમની ટેક્સચોરી મળે તેવી સંભાવના વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અધિકારીઓ-ઇન્સ્પેક્ટર તેમજ 100 જેટલા રિઝર્વ પોલીસના જવાનો દરોડાની કામગીરીમાં જોડાયા
આવકવેરા વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ સુરત આવકવેરા વિભાગની ડીઆઇ વિંગ દ્વારા સાત મહિના બાદ ફરીથી સર્ચની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 200 જેટલા આવકવેરા વિભાગના અધિકારીઓ અને ઇન્સ્પેક્ટર તેમજ 100 જેટલા રિઝર્વ પોલીસના જવાનો સાથે દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેમાં કાંતિલાલ બ્રધર્સના ભાગળ,પીપલોદ અને કતારગામ સ્થિત શો-રૂમ તેમજ તેમના ભાગીદારો,એકાઉન્ટન્ટ,મેનેજરના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી.તેની સાથે સાથે અન્ય બે જ્વેલરી મેન્યફેક્ચર વરાછાના પાર્થ ઓર્નામેન્ટ અને મહિધરપુરાના અક્ષર જ્વેલ પર પણ ભાગીદારો તેમજ પેઢી સાથે સંકળાયેલા જવાબદાર લોકોને ત્યાં સવારે છ વાગ્યે જ અધિકારીઓ પહોંચી ગયા હતા.જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં બંને પેઢીઓનું મોટું નામ છે.તપાસ દરમિયાન ખરીદી-વેચાણ અને જોબવર્કના કેટલાક ડોક્યુમેન્ટ મળી આવતા અન્ય બે પેઢી હરિકલા અને તીર્થ ગોલ્ડ નામની જ્વેલરી પેઢી પર પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.
કારખાના બંધ કરીને ઘરે રવાના થઇ ગયા હોવાની વિગતો જાણવા મળી
હરિકલા ગોલ્ડ બુલિયન સાથે પણ જોડાયેલું નામ છે.સુરત અને રાજકોટમાં તમામ સ્થળો પર વિભાગની કાર્યવાહી મોડી રાત સુધી જારી રહી હતી.જેમાં બુલિયન ખરીદી,જ્વેલરીના હિસાબો અને અન્ય કેટલાક આર્થિક સોદાઓની માહિતી વિભાગને મળી આવી છે.સાથોસાથ હિસાબી દસ્તાવેજો અને કેટલીક માહિતીઓ કમ્પ્યૂટરમાં હોવાથી તેના હાર્ડડિસ્ક પણ વિભાગે જપ્ત કરી લીધા હતા.તમામ સ્થળો પરથી 15થી વધુ લોકર અને કરોડો રૂપિયાની રોકડ અને જ્વેલરી પણ મળી આવી હતી.ઇન્કમટેક્સ વિભાગે જવેલર્સને ત્યાં દરોડા પાડવાની જાણ હિરા બજારમાં થતા તેઓની સાથે સંકળાયેલા હિરાના કારખાના પણ ધીમે ધીમે બંધ કરીને સંચાલકો રવાના થઇ ગયા હતા.કારણ કે તેઓને પણ એવો ડર સતાવતો હતો કે આ તપાસનો રેલો તેમના સુધી પહોંચે તે પહેલા તકેદારીના ભાગરુપે કારખાના બંધ કરી દેવામાં આવે તો કાર્યવાહીથી બચી શકાય.આજ કારણોસર વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા કેટલાક હિરાના કારખાનેદારો ઇન્કમટેકસના દરોડા પાડતાની સાથે જ કારખાના બંધ કરીને ઘરે રવાના થઇ ગયા હોવાની વિગતો જાણવા મળી છે.